ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે માનવ વસવાટમાં સિંહ ઘુસ્યો: ગાયનો શિકાર કર્યો

ગામના લોકોમાં ભયનો માહોલ સજાર્યો : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોની હલચલ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગીર વિસ્તારની નજીક આવેલા ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં સિંહે શેરીમાં ઘૂસી ગાયનો શિકાર કરતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોના વસવાટ માટે જાણીતો છે અને ગીર વિસ્તારના વિસ્તરણ સાથે હવે સિંહો ગામડાં સુધી પહોંચી રહ્યા છે.
ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહે શેરીમાં ઊભેલી ગાય પર હુમલો કર્યો હતો.
આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ, આ સમગ્ર ઘટના માત્ર 37 સેક્ધડમાં બની હતી. સિંહે અચાનક ગાય પર ત્રાટકીને તેને પકડી પાડી હતી. આ ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે સિંહો હવે માનવ વસાહતો સુધી આવી રહ્યા છે.સ્થાનિકોએ વન વિભાગ પાસે સુરક્ષા વધારવાની માંગ કરી છે. રાત્રિના સમયે સિંહોની ચહલ પહલ વધતા ગામજનોમાં ચિંતા વધતી જાય છે.
ત્યારે વન વિભાગના અધિકારીઓએ ઘટના અંગે નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે. સાથે જ લોકોને સાવચેત રહેવા અને રાત્રે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ