જિલ્લા પંચાયતની ઉના તાલુકાના શાડેસર અને કોબ બે બેઠકો કોંગ્રેસે આંચકી લીધી, તાલુકા પંચાયતમાં છ બેઠકો કબ્જે કરી વિજય લહેરાવ્યો
ઉના પંથકના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. સાડા ત્રણ દાયકાથી ભાજપના અજેય ગઢ સમાન કેસરીયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના એક નવોદિત, શિક્ષિત યુવા નેતાએ ઐતિહાસિક વિજય મેળવી રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. ભાજપના પીઢ અને સાત ટર્મથી અપરાજિત રહેલા રૂડાભાઈ શિંગડને કોંગ્રેસના યુવા તુર્ક ભરતભાઈ શિંગડે કારમી હાર આપી ‘જાયન્ટ કિલર’ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.ઉનાના કેસરીયા ગામના રૂડાભાઈ શિંગડનો રાજકીય ઉદય કોંગ્રેસમાંથી થયો હતો. સાત ટર્મની લાંબી કાર કિર્દી માં તેઓ ચાર વખત કોંગ્રેસ અને બે વખત ભાજપ ના માંડવે ચૂંટાઈ આવી જિલ્લા પંચાયતમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ ભોગવ્યા. સાતમી વખત ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા રૂડાભાઈને આ વખતે જનતાનો પ્રચંડ રોષ નડી ગયો.
જિલ્લા પંચાયત હેઠળ આવતા કેસરીયા, મોટા ડેસર, વરસીંગપુર, સીલોજ, નાથડ સહિતના 16 ગામોમાં એક જ સૂર ગુંજતો હતો કે, ‘રૂડા આતા ચૂંટાયા પછી પ્રજાના કામે ક્યારેય આવ્યા જ નથી’. ગ્રામજનોનો આક્ષેપ છે કે કેસરીયા અને આજુબાજુના વિસ્તારમાં વિકાસના કામો પ્રત્યે તેમને ક્યારેય લગાવ નહોતો. માત્ર હોદ્દાને ખંભે રાખી રાજનીતિ ખેલવામાં તેઓ માહેર હતા. સાડા ત્રણ દાયકાની સત્તા દરમિયાન અન્ય કોઈ ઉભરતા નેતૃત્વને આગળ આવવા દીધું નહીં, જેઆખરે તેમની કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જી ગયું અને કારમી હાર નો સામનો કરવો પડ્યો.
આ બેઠક પર વિજય મેળવનાર કોંગ્રેસના ભરતભાઈ શિંગડ એક શિક્ષિત, સંસ્કારી અને જમીન સાથે જોડાયેલા યુવાન છે. નાના અને છેવાડાના વર્ગમાંતેમની લોકપ્રિય છબી છે. મોટા ડેસર ગ્રામપંચાયતના સરપંચ તરીકેનો બહોળો વહીવટી અનુભવ, પંચાયતીરાજનું ઉંડુ જ્ઞાન, ખેતીવાડી, શિક્ષણ અને સરકારી યોજના ઓની સચોટ જાણકારી ધરાવતા હોવાથી તેઓ લોકોને સીધો લાભ પહોંચાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહી જનતા સાથે સીધો સંપર્ક રાખતા ભરતભાઈને મોટા ડેસર, વરસીંગપુર, સીલોજ, નાથડ પંથકમાં ‘કોંગ્રેસના શ્રેષ્ઠ યુવાન’નું બિરુદ મળ્યું છે.
એવી જ રીતે કોબ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધીરૂભાઈ સોલંકીના ધર્મપત્ની બીજી વખત વિજયી બન્યા છે. ધીરૂભાઈ શાંત, સૌમ્ય અને વિવાદોથી દૂર રહેનારા ખેડૂત અગ્રણી છે. ચીખલી ગ્રામપંચાયત અને એક ટર્મ જિલ્લા પંચાયતનો અનુભવ ધરાવતા ધીરૂભાઈની લોકચાહના અને સ્વચ્છ છબીના કારણે ઉમેદવારી જાહેર થઈ ત્યારથી જ કોંગ્રેસના વિજયની લોકવાયકા ચાલતી હતી.આ બેઠકની જીત પાછળ એવી પણ ચર્ચા છે કે ગત ટર્મમાં ભાજપ પ્રેરિત ઉમેદવારની વિવાદાસ્પદ કામગીરી થી લોકોમાં ભારે નારાજગી હતી. કોંગ્રેસે ધીરૂભાઈ સોલંકી જેવા નિર્વિવાદ અને સર્વસ્વીકૃત ચહેરાને મેદાનમાં ઉતારીને ‘સંત રંજ’નો દાવ ખેલ્યો. સાથે જ ભાજપના સ્થાનિક કાર્યકરોની આંતરિક નારાજગી પણ કોંગ્રેસના વિજયમાં મોરપીંછ સમાન સાબિત થઈ.એકંદરે જિલ્લા પંચાયતની બે અતિ મહત્ત્વની બેઠકો ગુમાવવી અને તાલુકા પંચાયતની છ બેઠકો કોંગ્રેસના ફાળે જવી એ ભાજપ માટે લાલબત્તી સમાન છે. જ્યારે કોંગ્રેસ માટે આ વિજય યુવા નેતૃત્વના ઉદય અને ગ્રામ્ય સ્તરે જનાધાર પાછો મેળવવાનો શંખનાદ બની રહ્યો છે.
