ભાવનગર : ધો.1રના સામાન્ય પ્રવાહમાં 9પ.90 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 9ર.6પ ટકા પરીણામ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાએ બંને પ્રવાહમાં રાજ્યની સરેરાશ કરતા વધુ પરિણામ મેળવીને મેદાન માર્યું છે. વહેલી સવારથી જ ઓનલાઈન પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે શાળાઓમાં વિજેતા વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવી ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. સામાન્ય પ્રવાહની વિગતો મુજબ, ભાવનગર જિલ્લાનું કુલ પરિણામ 95.90% જાહેર થયું છે, જે રાજ્યના 92.91% પરિણામ કરતા ઘણું ઊંચું છે. જિલ્લામાં નોંધાયેલા 16,171 વિદ્યાર્થીઓ પૈકી 16,122 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 434 વિદ્યાર્થીઓએ અ-1 ગ્રેડ અને 2250 વિદ્યાર્થીઓએ અ-2 ગ્રેડ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ઇ-1 ગ્રેડમાં 3279 અને ઇ-2 ગ્રેડમાં 3258 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. બીજી તરફ, વિજ્ઞાન પ્રવાહમાં પણ ભાવનગરનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. રાજ્યના 82.33% પરિણામ સામે ભાવનગરનું પરિણામ 92.65% નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 6012 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 64 વિદ્યાર્થીઓએ અ-1 ગ્રેડ અને 798 વિદ્યાર્થીઓએ અ-2 ગ્રેડ હાંસલ કર્યો છે. પરિણામ જાહેર થતા જ શહેરની મુખ્ય શાળાઓ જેવી કે ઓજ ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાનમંજરી, સ્વામિનારાયણ ગુરુકુળ અને જ્ઞાનગુરુ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા અને શિક્ષકો સાથે આ જીતની ઉજવણી કરી હતી.
