પુત્રની 3 મહિલા સહિત 9 શખ્સો સામે ફરીયાદ : યુવકને પોતાની પત્નીની માસીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોઇ જે પ્રેમીકાના પરીવારને પસંદ ન હોઇ હુમલાની ઘટના બની
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીંગાળા-1 ગામે નેશનલ હાઇવે-પ1 ઉપર આવેલ બાલક્રિષ્ના પેટ્રોલપંપ સામે એક ફોરવ્હીલમાં ત્રણ મહિલા સહિત 6 આરોપીઓએ એક યુવકનું પ્રેમ સંબંધનાં કારણે અપહરણ કરી અને યુવકનની નજર સામે યુવકનાં મમ્મી ઉપર આરોપીઓએ ફોરવ્હીલ ચડાવી દઈ હત્યાં કરી નાંખી યુવકને ઉપાડી જઈ અલગ અલગ જગ્યાએ માર માર્યાની યુવકે 3 મહિલા સહિત 9 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલા તાલુકાના નીંગાળા-1, નવી નિશાળ પાસે રહેતાં ભાવેશભાઇ ભગવાનભાઇ ભીલ નામનાં 25 વર્ષીય યુવકને પોતાના પત્નિ ભારતીબેનની માસીની દીકરી કૈલાસબેન બટુકભાઇ મકવાણા સાથે પ્રેમ સબંધ હોય, જે તેના પરિવારના સભ્યોને સારું નહીં લાગતાં આથી આ કૈલાસબેન ગત તા.3 ના રોજ તેણી તેના ઘરેથી રાજુલા જવા નીકળેલ હતી. ત્યારે યુવક પણ તેના મમ્મી જીતુબેન સાથે કૈલાસબેનની પાસે રાજુલા જવા નીકળેલ હતાં. તે વખતે નીંગાળા-1 ગામે નેશનલ હાઇવે રોડ ઉપર બાલકૃષ્ણ પેટ્રોલપંપની સામે પહોંચતાં રાજકોટ ગામે રહેતાં આરોપી યોગેશ બાબુભાઇ મકવાણા, મહુવા ગામે રહેતાં રોહિત બટુકભાઇ મકવાણા, મહેશ ભાયાભાઇ સોલંકી, (રહે.માઢીયા) જ્યોતિબેન યોગેશભાઇ મકવાણા, કાજલબેન બટુકભાઇ મકવાણા, જાનુબેન બટુકભાઇ મકવાણા, (રહે.તમામ મહુવા)એ એક સંપ કરી આરોપીઓએ પોતાના અર્ટીગા ફોરવ્હીલ કારમાં આવી, ભાવેશભાઇ નામનાં યુવકને તથા તેના મમ્મી જીતુબેનને આડેધડ માર મારી, યુવકને બળજબરીથી ફોરવ્હીલ ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ અને તે સમયે આરોપીઓએ યુવકના મમ્મી જીતુબેનને રોડ ઉપર પછાડી દઇ અને ફોરવ્હીલના ચાલક રાજકોટ ગામે રહેતાં આરોપી યોગેશ બાબુભાઇ મકવાણાએ યુવકના મમ્મી જીતુબેનની ઉપર ફોરવ્હીલ ગાડી ચડાવી દઈ તેના શરીર ઉપરથી ગાડી ચલાવી દઈ, યુવકના મમ્મીને ગંભીર ઇજાઓ પહોંચાડી, તેમનું મોત નિપજાવી, હત્યાં કરી હતી. અને યુવકનું અપહરણ કરી, ખરેડ ગામે આવેલ ખારામાં લઇ જઇ અને બે અલગ અલગ ટુ-વ્હીલરમાં હિતેશ બટુકભાઇ મકવાણા અને તેના પિતા બટુકભાઇ ડાયાભાઇ મકવાણા તથા હિતેશના કાકા કમલેશભાઇ ત્યાં આવી ગયેલ હતાં. અને રોહિત તથા મહેશે યુવકને પકડી રાખી અને યુવકે કમરે પહેરેલ પટ્ટો કાઢી, મહેશે યુવકને પટ્ટા વડે માર મારી, યોગેશે લોખંડના સળીયા વડે યુવકના પગમાં માર મારી, હિતેશ તથા કમલેશે પોતાના પટ્ટા કાઢી આડેધડ માર મારી, જ્યોતિબેન તથા કાજલબેન તથા જાનુબેન તથા બટુકભાઇએ પણ યુવકને ઢીકા-પાટુનો આડેધડ માર મારી ઈજા કરી હતી. આરોપી મહેશ ભાયાભાઇ સોલંકીએ યુવક કહેલ કે, જો કૈલાસ અમને નહીં મળે તો તને મારીને આ તળાવમાં ફેંકી દઇશું તેમ ધમકી આપી હતી, પછી યુવકને ગાડીમાં બેસાડી, મહુવા, ભવાનીનગરમાં આવેલ હિતેશના ઘરે લઇ જઇ, ત્યાં પણ આ લોકોએ યુવકને આડેધડ માર મારી ઈજા કર્યાની યુવકે 3 મહિલા સહિત 9 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવનાં આરોપી ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ મહિલા સહિત 7 આરોપીઓ ઝડપાયા
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્રારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના હત્યા તથા અપહરણનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં આરોપી યોગેશ બાબુભાઇ મકવાણા (રહે.રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી, નવા ગામ), રોહીત બટુકભાઇ મકવાણા તથા હિતેશ બટુકભાઇ મકવાણા, ઉ.વ.27, (રહે.મહુવા), મહેશ ભાયાભાઇ સોલંકી (રહે.માઢીયા તા.મહુવા), જયોતિબેન યોગેશભાઇ મકવાણા, ઉ.વ.35, (રહે.રાજકોટ), જાનુબેન બટુકભાઇ મકવાણા તથા કાજલબેન બટુકભાઇ મકવાણા (રહે.મહુવા) ને એક ફોરવ્હીલ કાર નં. જી.જે.03.એલ.બી. 6593 કિંમત રૂપિયા 5,00,000 તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ 4 કિંમત રૂપિયા 17,500 મળી કુલ કિંમત રૂપિયા 5,17,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
