વેરાવળ શહેરમાં અત્યાધુનિક સક્શન મશીનથી ગટરોની સાફ-સફાઈ

ભાવનગર, રાજકોટ, જૂનાગઢથી સ્પેશ્યિલ સીવર સકશન મશીન સોમનાથ લવાયા: ગટરમાંથી કાદવ-કાંપ અને ઘન કચરો કાઢવા મદદરૂપ થતું અત્યાધુનિક સીવર સકશન મશીન

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરમાં આવેલી ગટરોમાં ભરાયેલો ઘનકચરો સરળતાથી સાફ થઈ શકે તે માટે ખાસ કિસ્સામાં ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી સ્પેશ્યલ સીવર સકશન મશીન લાવવામાં આવ્યા છે, જેના દ્વારા આધુનિક પદ્ધતિથી ઝડપથી ગટરનો કાંપ અને કાદવ સાફ કરી શકાય છે. આ મશીનના કારણે ઝડપથી કામગીરી થવાના કારણે ભરાઈ ગયેલ ગટરો સાફ થવા થી સરળતાથી ગટરના પાણીનો નિકાલ થશે. આગામી સમયમાં ચોમાસાની ઋતુ દસ્તક દઈ રહી છે. તેવા સમયે વેરાવળ નગર માં કોઈપણ જગ્યાએ પાણી ભરાય નહીં અને ચોમાસામાં પાણી ભરાવાને કારણે રોગચાળો ન ફેલાય તેવા ઉદ્દાત ભાવ સાથે કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં આ વિશેષ મશીનો લાવવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ચોમાસાની ઋતુમાં અગવડતા ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોંકળા ની સાફ સફાઈ, માઇનોર-મેજર બ્રિજ સ્વચ્છતા ની કામગીરી, ગટર સફાઈ હાથ ધરવામાં આવી છે. તેમાં આ નવું આયામ ઉમેરાયું છે.આજે આ મશીન થી પ્રભાસ પાટણ હાટ બજાર સહિતના વિસ્તારોમાં સ્પેશ્યલ સીવર સક્શન મશીનથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હજુ જી.યુ.ડી.એમ. દ્વારા અમદાવાદથી પણ એક મશીન આવવાનું છે. જેના દ્વારા ગટર સફાઈ ની કામગીરી વેગવંતી બનશે.
આ અંગે જણાવતા કલેક્ટર એ કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ સફાઈની કામગીરી ચાલુ છે. જેથી વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈ તકલીફ ન પડે. આ કામગીરી હેઠળ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક આવેલું છે. જેની પણ યોગ્ય સફાઈ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સફાઈ માટે વધુ કેપેસિટી ધરાવતી મશીન ની જરૂરિયાત ઉભી થતા રાજકોટ-ભાવનગર-જૂનાગઢ મહાનગરપાલિકા માંથી સુપર સકશન મશીનો મગાવવામાં આવ્યા છે. જેટિંગ મશીન થી અપગ્રેડ વર્ઝન ધરાવતા આ મશીનો ડ્રેનેજ માં કચરો ભરાયેલો હોય તો આ કચરો પ્રેશરથી ખેંચીને સફાઈ કરવામાં આવતી હોય છે. જેથી ડ્રેનેજ લાઈન એકદમ ચોખ્ખી થઈ જાય છે. હાલ પ્રભાસપાટણ વિસ્તારમાં આ મશીન થી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ