તાલાલાના ધુસિયા ગીરની ડી.એમ. બારડ સ્કુલ ધો.12માં જિલ્લામાં પ્રથમ

99.11 ટકા સાથે રાજયમાં ત્રીજા સ્થાને રહી

તાલાલા, ગીર સોમનાથ: તાલાલાના ઘુસિયા ગીર ખાતે આવેલ ડી.એમ. બારડ કેળવણી સંકુલના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો ઉત્કૃષ્ટ રહ્યા છે. વિજ્ઞાન પ્રવાહમાં શાળાએ ગીરસોમનાથ જિલ્લામાં 100% પરિણામ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહમાં ઘુસિયા કેન્દ્ર સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ આ પ્રવાહમાં ઉચ્ચ દેખાવ કર્યો છે.
સામાન્ય પ્રવાહ ધોરણ 12 માં પણ સંસ્થાનું પરિણામ 99.11% રહ્યું છે. કુલ 19 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ અને 78 વિદ્યાર્થીઓએ અ2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
આ સફળતા દિવંગત ધારાસભ્ય સ્વ. જશુભાઈ ધાનાભાઈ બારડ દ્વારા ગીર પંથકના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સ્થાપિત તાલાલા એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ધનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલની દેન છે. સંસ્થાના નિયામક શૈલેષભાઈ જશુભાઈ બારડના માર્ગદર્શન હેઠળ સંકુલ આચાર્ય કે.બી. રામ અને શિક્ષકોની ટીમે પદ્ધતિસરનું શિક્ષણ પૂરું પાડયું હતું.
આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ નિયામક શૈલેષભાઈ જશુભાઈ બારડ અને સમગ્ર સ્ટાફ પરિવારે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ