તડકાથી રાહત મેળવવા ડેમોમાં ન્હાવા પડેલા કિશોરોએ જિંદગીથી હાથ ધોવા પડ્યા : ગામમાં શોકની લાગણી ફેલાઈ
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે હૃદયદ્રાવક ઘટના બની છે. ભીષણ ગરમીથી રાહત મેળવવા ઘાતરવડી નદીમાં નાહવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સૂર્યદેવ પ્રકોપ વરસાવી રહ્યા છે. સતત 42ડીગ્રીથી વધુ તાપમાન નોંધાતા જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. અસહ્ય બફારા અને ગરમીથી બચવા માટે લોકો ઠંડકનો આશરો લઈ રહ્યા છે, ત્યારે રાજુલાના ખાખબાઈ ગામ નજીક વહેતી ઘાતરવડી નદીમાં નાહવા ગયેલા બે કિશોરો માટે આ નિર્ણય જીવલેણ સાબિત થયો હતો. સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કઢાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાના ધાખડા નગર વિસ્તારમાં રહેતા બે કિશોરો ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા પડ્યા હતા. જોકે, પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. ભારે શોધખોળ બાદ 15 વર્ષીય ગાંડુભાઈ પરમાર અને 15 વર્ષીય દક્ષ ડોડીયાના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી બંને પરિવારો પર વજ્રઘાત થયો છે: ગાંડુભાઈ પરમાર: પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. દક્ષભાઈ ડોડીયા: પરિવારમાં એક ભાઈ અને બે બહેનો છે. એકસાથે બે આશાસ્પદ કિશોરોના અકાળે અવસાનથી ધાખડા નગર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા પણ લોકોને અજાણ્યા જળાશયોમાં નાહવા ન પડવા અપીલ કરવામાં આવી છે.
