લીલીયા વિસ્તારના નાગરિકોની લાંબા સમયની રજૂઆતો અને માંગણીને ઘ્યાને લઈને, સાવરકુંડલા – લીલીયા – અમદાવાદ (કૃષ્ણનગર) નવી એસ.ટી. બસ સેવાનો તા.1 ની વહેલી સવારે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ (નકચતહ) સમક્ષઆ અંગે સચોટ રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે આ અગત્યનો રૂટ મંજૂર થતાં વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે.
ગઈકાલે વહેલી સવારે નવી નકોર એસ.ટી. બસ લીલીયા મુકામે આવી પહોંચતા, લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ ઝિંઝુવાડીયા, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, આનંદ ધાનાણી, એસ.પી ભડકોલીયા, કમલેશ બાપુ અગ્રાવત, વિજય ગજેરા, પ્રગ્નેશ રામાણી, ભાસ્કરભાઈ પટેલ, કેપ્ટન ધામત, પ્રવિણ ચોપડા, ભીખાભાઈ ધારૈયા, સુરેશ મારૂં, મનસુખભાઈ ગાંગડિયા, આર.બી.ભાલાળા સહિતના પદાધિકારીઓ, કાર્યકરો, સ્થાનિક વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને બસને લીલી ઝંડી આપી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે ઉપસ્થિત આગેવાનોએ વિસ્તારના વેપારીઓ, દર્દીઓ અને સામાન્ય મુસાફરોને આ સરકારી બસ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો આ બસ દરરોજ વહેલી સવારે 6 કલાકે સાવરકુંડલાથી કૃષ્ણનગર જવા રવાના થશે.
આ બસ સાવરકુંડલાથી ઉપડી વાયા અમૃતવેલ પાટિયું, સાવર, શેઢાવદર, ભુવા, નાનાલીલીયા, પુંજાપાદર, લીલીયા મોટા, સનાળીયા, હાથીગઢ, ખારા, ગુંદરણ, દામનગર, ઢસા, ગઢડા બોટાદ થઈ આ બસ કૃષ્ણનગર (અમદાવાદ) પહોંચશે જયારે પરત આવવાનો સમય કૃષ્ણનગરથી આ બસ બપોરે ર કલાકે સાવરકુંડલા આવવા માટે રવાના થશે, જે રાત્રે અંદાજે 9 : 35 મિનિટે સાવરકુંડલા મુકામે પરત ફરશે. આ અતિ મહત્વની બસ સેવા શરૂ કરાવવા બદલ લીલીયા તાલુકા ભાજપ પરિવાર, વેપારી મંડળ અને સમગ્ર જનતાએ લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્તત કર્યો છે. આ બસ શરૂ થવાથી રોજગારી, શિક્ષણ, ડાયમંડના વેપારીઓ અને આરોગ્યના કામ અર્થે અમદાવાદ તરફ જતા લોકોને હવે સીધી અને સસ્તી અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહેશે.
