નુકશાન કે જાનહાનીની ખબર નહીં
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકની ધરા ફરી એક વખત ધ્રુજી ઊઠતા ગીરકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આજે મંગળવારે સવારે 11:43 વાગ્યે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા મીતિયાળા સહિતના અનેક ગામોમાં લોકો દ્વારા આંચકો અનુભવાયો હતો. ધરતીકંપના આંચકાના કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગીરકાંઠાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી છાસવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આજે આવેલા આ આંચકાની અસર મીતિયાળા, સાકરપરા, ખાંભા, ભાડ, વાંકિયા, ઇંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેટલાક સ્થળોએ લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. તેમ છતાં વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકાઓને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને ગીરકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ભૂકંપના આંચકાઓને લઈને સતર્ક બન્યા છે.
ભૂસ્તરવિદોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભૂકંપીય દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે સમયાંતરે નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. જોકે આ પ્રકારના હળવા આંચકાઓ સામાન્ય રીતે કોઈ ગંભીર નુકસાન પહોંચાડતા નથી.
સ્થાનિક તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ કોઈ પ્રકારની નુકસાનીના અહેવાલો સામે આવ્યા નથી. જોકે સતત આવી રહેલા આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને ધરતીકંપ અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
