રાજકોટ, ધોરાજી અને ધારીના શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ
રાજ્યમાં વધી રહેલી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ ગુનાખોરીના દૂષણને ડામવા માટે પોલીસ પ્રશાસન દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂૂ.1.89 કરોડના સાયબર ફ્રોડની રકમ હેરાફેરી કરનાર રાજકોટ, ધોરાજી અને ધારી પંથકના ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, સાયબર ગુનેગારો દ્વારા આચરવામાં આવેલા આશરે રૂૂ. 1.89 કરોડના ભયંકર સાયબર ફ્રોડમાં એક બેંક ખાતાની વિગતો પોલીસના ધ્યાને આવી હતી. આ શંકાસ્પદ ખાતું રાજકોટના હનુમાનમઢી ચોક પાસે, રૈયા રોડ, ઉપર રહેતા મયુર રાયસંગભાઈ ઘરજીયા ના નામે હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ ચોક્કસ એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં જ રૂૂ. 24 લાખથી વધુની રકમનું ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આ શંકાસ્પદ ખાતાધારક મયુરની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મયુરે કબૂલાત કરી હતી કે, આશરે એકાદ વર્ષ પહેલાં તેના મિત્ર અને આ કેસના અન્ય આરોપી ધોરાજીના વનરાજ જીતેન્દ્રભાઈ ચાવડાને તેણે પોતાનું બેંક ખાતું ભાડેથી વાપરવા માટે આપ્યું હતું. વનરાજે કમિશનની લાલચ આપીને મયુર પાસેથી બેંકનું એટીએમ કાર્ડ અને સીમકાર્ડ મેળવ્યા હતા, જે બાદમાં તેણે ધારીના જેનીલસિંહ પ્રકાશસિંહ પરમારને સુપ્રત કર્યા હતા.
સાયબર માફિયાઓ દ્વારા આ ખાતાનો ઉપયોગ ફ્રોડના નાણાં છુપાવવા માટે ’મ્યુલ એકાઉન્ટ’ તરીકે કરવામાં આવતો હતો, જેના બદલામાં મયુરને કમિશન પેટે માત્ર રૂૂ. 10,000 મળ્યા હતા. આ મામૂલી રકમની લાલચમાં આવીને મયુરે બજારમાંથી તેના અન્ય ઓળખીતા મિત્રો તેમજ પોતાના ઘરના સભ્યોના બેંક ખાતાઓ પણ આ આરોપીઓને સોંપી દીધા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી, ઝડપી લીધા હતા. તેમજ આ કેસમાં ફરાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
