ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો : કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ : સસ્પેન્ડ કરાયો
ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામમાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખે તેવી હચમચાવી દેનારી ઘટના સામે આવી જે શિક્ષકના ખભા પર બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી હોય, તે જ શિક્ષકે પોતાની હવસ સંતોષવા માટે માસૂમ બાળકીોને શિકાર બનાવી હોવાનો ગંભીર આરોપ સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ
મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અંદાજે 6 વર્ષીય પાંચ માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો દેવાણંદ બેરા નામનો શિક્ષક લાંબા સમયથી હવસખોરી આચરતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
ઘટનાની જાણ થતા ભોગ બનનાર બાળકીોના માતા-પિતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજની સૂચનાથી પાટણવાવ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આરોપી દેવાણંદ બેરાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો હતો.
પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ભોગ બનનાર સગીરાઓ, તેમના માતા-પિતા તેમજ સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ માત્ર કુંઢેચ જ નહીં પરંતુ સમગ્ર ઉપલેટા પંથકને હચમચાવી દીધો છે. શિક્ષક જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલા વ્યક્તિ દ્વારા માસૂમ બાળકીઓ સાથે થયેલા કથિત દુષ્કર્મના આક્ષેપોને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.
પોલીસ દ્વારા આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘટનાની જાણ થતાં અને ગંભીરતાને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
