ફેન્સી નંબર મેળવવા ઇચ્છતા વાહન ચાલકો માટે આર.ટી.ઓ.દ્વારા
ઈ-ઓક્શનનું સમયપત્રક થયું જાહેર: 22 જૂન સુધીમાં પ્રક્રિયા થશે પૂર્ણ
પોરબંદર જિલ્લાના સ્કૂટર અને બાઈક માટે નવી સિરીઝ શરૂ થઈ છે.
પોરબંદરસહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી ના કાર્યક્ષેત્રના વાહનમાલિકો માટે એક જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. જે મુજબ મોટરસાઇકલ અને સ્કૂટર માટેની નવી સિરીઝ જી. જે. 25 એ. એચ.ની ઈ-હરાજી શરૂ કરવામાં આવનાર છે.
આ હરાજી પ્રક્રિયા અંતર્ગત રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ 18-06-2026 ના રોજ બપોરે 03:59 વાગ્યાથી લઈને રજીસ્ટ્રેશન બંધ થવાની તારીખ 20-06-2026 ના રોજ સાંજે 04:00 વાગ્યા સુધી રહેશે, જ્યારે હરાજીની મુખ્ય પ્રક્રિયા 20-06-2026 બપોરે 03:59 વાગ્યે શરૂ થઈને 22-06-2026 ના રોજ સાંજે 04:00 વાગ્યે પૂર્ણ થશે. પસંદગીનો ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ સૌપ્રથમ પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી, નિયત પરિપત્રની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.
પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી, સેલ ઇન્વોઇસની તારીખ અથવા વીમાની તારીખ – એ બેમાંથી જે વહેલી હોય તે તારીખથી 7 દિવસની અંદર રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઇસનો કોઈ નંબર મેળવી શકશે નહીં અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં, તો અરજી તારીખથી ગણતાં 60મા દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદાર કોઈ વાંધો ઉઠાવી શકશે નહીં.
આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની મુદત પૂરી થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ (નોંધણી વગરનું) ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર જગ્યા પર ઉપયોગ કરી શકાશે નહીં.
અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બિડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે, તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલા દર મુજબ ચાર્જ ચૂકવવાનો રહેશે.
અસફળ અરજદારને રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિને બદલે ઓનલાઇન પદ્ધતિથી નાણાં પરત કરવાના હોવાથી, નેટ બેન્કિંગ અથવા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી જે માધ્યમ દ્વારા ચૂકવણું કર્યું હશે, તે જ માધ્યમથી નાણાં અરજદારના તે જ ખાતામાં પરત રિફંડ કરવામાં આવશે.
