યાત્રાધામ માધવપુરમાં દૂધ કરતા વધુ મળી રહ્યો છે દારૂ: મહિલાઓએ કરી જનતા રેડ

હપ્તા સીસ્ટમને કારણે નિષ્ક્રિય હોવાનું પોલીસને મોઢેમોઢ જણાવી દીધુ: બખેડાના વીડીયો થયા વાયરલ

પોરબંદર જિલ્લાભરમાં દારૂની બદી બેફામ વધી છે અને હપ્તા સીસ્ટમને કારણે પોલીસ અમુક જગ્યાએ બુટલેગરનો પકડવામાં લાજ કાઢે છે ત્યારે માધવપુર ગામે મહિલાઓએ જનતા રેડ કરીને દારૂના ધંધાર્થી પોલીસને સોંપી દીધા હતા અને હપ્તા સીસ્ટમને કારણે પોલીસ નિષ્ક્રિય હોવાનું પોલીસને મોઢેમોઢ જણાવી દીધુ હતુ તે અંગેના વીડીયો વાયરલ થયા છે.
આમ તો સમગ્ર પોરબંદર જિલ્લામાં જોઇએ તેટલો દારૂ વહેચાઇ અને પીવાઇ રહ્યો છે. છતાં નથી દારૂડીયા સુધરતા કે નથી દારૂના ધંધાર્થી સુધરતા તેમ છતાં પોલીસની પણ નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી હોવાથી નાછૂટકે લોકોએ હવે કાયદો હાથમાં લઇને દારૂના ધંધાર્થીઓને પકડવા પડે છે ત્યારે માધવપુરમાં પણ મહિલાઓએ દારૂના ધંધાર્થીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ આવી ત્યારે ભારે રોષ સાથે મહિલાઓએ જણાવ્યુ હતુ કે ‘તમારી હપ્તા સીસ્ટમને કારણે આવા લોકોને મોકળુ મેદાન મળી ગયુ છે, હવે તો અમને પણ શરમ આવે છે. તમે ના પકડી શકતા હો તો અમે ફોટો પાડીને અને વીડીયો ઉતારીને તમને પુરાવા આપશું. ત્રણ-ચાર મહિનાથી ફરિયાદ થતી હોવા છતાં પોલીસ દ્વારા કશુ કરવામાં આવ્યુ નથી. અમારા ઘરની સામે દારૂ વહેચાતો હોય અને પોલી કશુ કરતી ન હોય તો આવા વાતાવરણમાં અમારે કરવાનું શું?’ તેવો રોષ વ્યકત કરતી મહિલાઓના વીડીયો વાયરલ થયા છે. પોલીસ બચાવની પ્રયુક્તિ રજુ કરીને ‘અમે કેસ કરીએ જ છીએ.’ તેમ જણાવતી હતી. ‘માધવપુરમાં દૂધ નથી મળતુ એટલો દારૂ મળે છે’ તેમ જણાવીને આક્રોશ વ્યકત કરતી મહિલાઓએ પોલીસને પણ આંટીમાં લીધી હતી. ત્યારે પોરબંદરના કડક મનાતા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા આ મુદ્ે તપાસ કરે અને માધવપુર પોલીસને ફરજનું ભાન કરાવે તેવી લાગણી વ્યકત થઇ છે.

કાગડા બધે કાળા, પોરબંદર શહેરમાં પણ એજ પરિસ્થિતિ !
પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં દારૂનો ધંધો બેફામ ફૂલ્યોફાલ્યો છે. શહેરના કીર્તિમંદિર જેવા ગાંધીજીના જન્મસ્થળની આજુબાજુમાં તથા ખારવાવાડની શેરી-ગલીમાં, મીલપરા, કડીયા પ્લોટ, ઝુંડાળા, વીરડીપ્લોટ, વણકરવાસ, જલારામ કોલોનીનો ખાડી કાંઠો સહિત બોખીરાની આવાસ યોજનામાં દારૂની બદી બેફામ વધી છે તેથી પોરબંદર જિલ્લા પોલીસે આ મુદ્ે કડક બનવુ જરૂરી બન્યુ છે. પોરબંદર શહેરના જુના અને નવા વિસ્તારમાં ફિશીંગ બોટની નીચે દારૂના વેચાણ થતા હોય તેવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસે પણ હવે દારૂના ધંધાર્થીઓ સામે કડક હાથે કામ લેવુ જરૂરી બન્યુ છે.

રિલેટેડ ન્યૂઝ