તાજીયા ઠંડા થયા, વિવિધ વિસ્તારમાં આમ ન્યાઝ, સહિતના કાર્યક્રમો યોજાયા: ઝુલુસમાં કોમી એકતાના દર્શન: શ્રધ્ધાળુઓએ માનતા પુરી કરી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાજીયા પડમાં આવ્યા બાદ પરંપરાગત ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ. કલાત્મક તાજીયાના ઝુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા. જોહરની નમાઝ બાદ તમામ તાજીયાઓ ઈમામ ખાનામાંથી બહાર આવ્યા હતા અને માતમમાં ગયા હતા.
રાજકોટમાં વિવિધ વિસ્તારમાંથી નિકળેલા તાજીયા કોઠારીયા નાકા ખાતે એકઠા થયા હતા અને ત્યાં માતમમાં આવ્યા હતા સવારે ઠંડા થયાબાદ મુસ્લિમ બિરાદરો કરબલાના શહાદતની યાદમાં શોક મગ્ન બન્યા હતા આજે વરસાદ પડતા માતમમાં રહેલા તાજીયાઓને તાલપત્રીથી ઢાંકવમાં આવ્યા હતા.
અમરેલી
અમરેલી શહેરમાં હઝરત ઇમામે હુસૈન (અ.સ.) અને કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મહોરમ પર્વની શ્રદ્ધા, ગમ અને સાદગીપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. નવમી મહોરમના અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા નાના-મોટા સો કરતાં વધુ કલાત્મક તાજિયાઓ ગઈકાલે પડમાં આવતા ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. આ મહાન શહાદતની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજ દ્વારા મહોરમનો પર્વ ગમ અને અકીદત સાથે મનાવવામાં આવે છે.અમરેલી શહેરમાં પણ પ્રથમ મહોરમ થી જ વિવિધ વિસ્તારોમાં તાજિયાઓ બનાવવાની શરૂઆત થઈ હતી. નવમી મહોરમના દિવસે આકર્ષક અને કલાત્મક તાજિયાઓ પડમાં આવતા લોકો મોટી સંખ્યામાં નિહાળવા ઉમટી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ન્યાઝ, શરબત વિતરણ, વાએઝ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાબરા
બાબરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ગત રાત્રે પડમાં આવેલા તાજીયાઓનું પરંપરાગત રીતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ આસુરાના દિવસે મોડી સાંજે તાજીયાઓ ટાઢા કરવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબરા સમસ્ત સુન્ની મુસ્લિમ જુમાત દ્વારા મહોરમ પર્વના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.
સાવરકુંડલા
દેશભરમાં મહોરમનું પર્વ ઉજવાયા રહ્યું હોય ત્યારે અમરેલી જિલ્લામાં હઝરત ઈમામે હુસૈનની યાદમાં આશુરાના દિવસે રાત્રિના તાજીયા પડમાં આવે છે ને મુસ્લિમ બિરાદરો તાજીયાના દીદાર કરી માનતાઓ પૂર્ણ કરે છે જ્યારે હિન્દુ સમાજ પણ આસ્થાના ભાવથી માથું ટેકવવા આવે છે ને કોમી એકતાનું ઉમદા ઉદાહરણ આ પાવન તહેવારોમાં જોવા મળતું હોય ત્યારે સાવરકુંડલા ખાતે તાજીયા પડ માં આવ્યા ત્યારે અમરેલી ના એસપી સંજય ખરાત, ડીવાયએસપી વિરલ ચંદન, પી.આઇ. સોલંકી, અમરેલી કઈઇ, જઘૠ સહિતના અધિકારીઓ ખાસ બંદોબસ્તમાં ખડેપગે રહ્યા હતા
જાફરાબાદ
જાફરાબાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ખૂબ જ શ્રદ્ધા હર્ષોલ્લાસ અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઇમામ હુસેન તથા તેમના સાથીઓની શહાદતની યાદગીરી રૂપે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર તાજિયા અને જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક અને કલાત્મક તાજિયાના જુલૂસ કાઢવામાં આવ્યા ધાર્મિક પ્રવૃત્તિઓ મહોરમના દસ દિવસ દરમિયાન ઇમામ હસન અને ઇમામ હુસેનની યાદમાં ઠેર- ઠેર છબીલનુ આયોજન કરવામાં આવ્યું હતું રાહદારીઓ માટે ઠંડા પીણા, શરબત અને ન્યાઝ પ્રસાદ નું વ્યાપક પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું કોમી એકતા ના આ પર્વ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો પણ એકબીજા ને સહોયોગ આપીને સાંપ્રદાયિક સદભાવ અને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.
ગઢડા
ગઢડા(સ્વામીના) મુકામે ખોજા શિયા ઇસ્ના અશરી જમાત દ્વારા હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની શહાદત નિમિત્તે આશુરાની રાત્રે પ્રતિવર્ષ મુજબ તાજીયાદારીની શોકસભાનું અને તાજીયાનું આયોજન મસ્જિદ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ.આ નિમિત્તે ખોજા શિયા ઇસ્ના અશરી જમાત, ગઢડા તરફથી તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી પ્રસાદ વિતરણ કરાયું હતું.
ડેડાણ
ડેડાણમાં મોહઁરમ નારોજ શહીદે કરબલાની યાદમાં માં હુસેન તાજીયાપડમાં આવ્યા ત્યારે પરંપરાગત મુજબ સિપાઈ જમાતખાનામા કોમી એકતા ના મહોલ વચ્ચે મોલા નાબાપુએ વાયઝ તકરીર કરબલાની યાદ ના ઇમામ હુસેન તેમના પરિવારે જે શહીદી ઓરી તેના વિશે તકરીર વાયઝ માં લોકોને કરબલાની માહિતી આપી હતી કે આ સમયમાં આ તારીખે ઈમાંમ હુસેન તેનો પરિવાર સત્યનેઅસત્યના કારણે શહીદ થયા હતા તે સમયમાં કોમી એકતા ના માહોલમાં દરબાર મહેશભાઈ કોટીલા બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશ ભાઈજાની સંત દેવીદાસ આશ્રમ ના દેવેન્દ્ર બાપુ કોળી સમાજના પરમુખ બાબભાઈ મકવાણા હિતુભાઈ કોટીલા મુન્નાભાઈ કોટીલા નંદ કિશોરભાઈ કોટીલા જિલ્લા સદસ્ય તાલુકા સદસ્યોચેરમેન સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમાં રાજુભાઈ શાસ્ત્રી કરબલા ને યાદ માં માહિતી આપી હતી.
ભાવનગર
જિલ્લાના ભાવનગર ,મહુવા શહેર ને બાદ કરતા તળાજા મા શિયા ઇશના અશરી ખોજા સમાજ ની વસ્તી નોંધપાત્ર છે.બે દાયકા પહેલા અહીંના જુનાગામ તળમા આવેલ ખોજાવાડ ખાતેથી માતમી ઝુલુસ નીકળતું હતું. તાજીયા પડમા આવ્યા બાદ આજે માતમી ઝુલુસ યોજવામાં આવેલ.ધર્મગુરુ દ્વારા ધાર્મિક બયાન આપવામાં આવેલ.આ સમયે રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાહતા.માતમી ઝુલુસ અને શિયા સમાજ દ્વારા નિભાવવામાં આવતી ધાર્મિક પરંપરા ને નજીક થી જોવા માટે નગરના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામા આવતા હતા. દેવડીચોક ખાતે વર્ષોની પરંપરા મુજબ તાજીયો મૂકવામાં આવ્યો હતો. જેના દીદાર હિન્દૂ મુસ્લિમ કોમના ભાઈઓ બહેનોએ કર્યાહતા. વ્હોરા સમાજ દ્વારા મસ્જિદમાજ માતમ મનાવવામાં આવેછે.ગઈકાલે તેઓનું માતમપર્વ પૂર્ણથયેલ હતુ.
જામ ખંભાળિયા
ખંભાળિયા શહેરમાં ગતરાત્રિના મુસ્લિમ સમાજના જુદા જુદા આઠ કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા. જે આજે મોડી સાંજે ટાઢા કરાયા હતા. ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાંદાણી જમાત, મકરાણી જમાત, પિંજારા જમાત, માજોઠી જમાત, મકરાણી જમાત, સંધી જમાત, કુરેશી જમાત, પઠાણી જમાતના કુલ 8 જેટલા કલાત્મક તાજીયાઓ ગતરાત્રે આકર્ષક રોશનીસભર માહોલમાં પડમાં આવ્યા હતા. આજે સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ ભાઈઓ પણ દર્શન કરવા આવ્યા હતા અને નાળિયેર વધેર્યા હતા. આ સાથે મુસ્લિમ વસ્તી ધરાવતા ખંભાળિયા તાલુકાના સલાયા, વાડીનાર, આંબલા, કોટા સહિતના જુદા જુદા ગામોમાં પણ તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું. આજે મોડી સાંજે તાજીયા ટાઢા કરાયા હતા આ સ્થળે અહીંના ડીવાયએસપી મીત રુદલાલ, પી.આઈ. સી.આર. રાણા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગોંડલ
ગોંડલ ઇમામ હુસેનની ની શહાદત ની યાદ માં રાજાશાહી વખતના બનતા દેવપરા નો કલાત્મક તાજીયો પડ માં આવિયો આ તાજીયા પહેલા થીજ લાઇટીગ સજ્જ કલાત્મક બંને છે અગાઉ લાયન્સ ક્લબ દ્વારા ઈનામ પણ પ્રાપ્ત કરેલ આજે કતલની રાત નીમીતે રાત્રે સમગ્ર તાજીયા નુ જુલુસ નીકળ્યું હતું તેમ રાજેશભાઈ પોપટ ગંગાસાગર ની એક યાદીમાં જણાવ્યું છે.
દીવ
દીવ અને ઘોઘલામાં પણ મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર ન્યાઝ રાખવામાં આવી હતી. ઘોઘલામાં મકોરમ ચોક ખાતે આમંત્રિત મહેમાનો મ્યુ. પ્રમુખ હરેશભાઈ પાંચા કાપડિયા, ઉપપ્રમુખ કરુણાબેન રવિ, ઘોઘલા ખારવા સમાજના પટેલ રવિભાઈ સોલંકી, ખારવા સમાજના માજી પટેલો, કાઉન્સીલર હર્ષિદાબેન મીહીર સોલંકી, સીનીયર વકીલ કમ માજી મ્યુ. પ્રમુખ રસીકભાઈ માંડણ સોલંકી ખાસ ઉપસ્થિત રહી અને એકતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
વેરાવળ
વેરાવળ તાલુકાના સુપાસી ગામે મોહરમ નિમિત્તે તાજીયાનું ઝુલુસ નીકળ્યા જેમાં ઉપસરપંચ અબા ભાઈ, અરશી ભાઈ પરમાર, માજી સરપંચ નારણભાઈ જોટવા, જાદવભાઈ સોલંકી, હનીફ મહમદ, ઈસુબ ભાઈ મિલર, ગની ભાઈ તિરમીઝી વાળા, હનીફ ઉમર શા, મહેબૂબ બાપુ સહીતના જોડાયા તે તસવીરમાં નજરે પડે છે.
રાજુલા
રાજુલામાં વર્ષો જૂની પરંપરા મુજબ મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષે પણ ઓલ મુસ્લિમ સમાજ દ્વારા મેન બજારમાં તાજીયા રાખવામાં આવ્યા હતા. બુધવારે સાંજે હુસૈની ચોકથી તાજીયાનું સરઘસ નીકળ્યું હતું જે શહેરના હવેલી ચોક, મેન બજાર, પોલીસ સ્ટેશન સહિતના મુખ્ય માર્ગો પર ફરી ઘાંચીપાડા ખાતે વિધિવત રીતે પૂર્ણ થયું હતું. સરઘસ દરમિયાન યુવાનો દ્વારા તલવારબાજી, લાઠીદાવ સહિતના પરંપરાગત કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સૌથી મોટી વાત એ રહી કે આ તહેવારમાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોમી એકતાનું ઉત્તમ દ્રશ્ય સર્જાયું હતું.
જાફરાબાદ
અમરેલી જિલ્લાનું દરિયાકાંઠાનું ઐતિહાસિક શહેર જાફરાબાદ દર વર્ષે મોહરમના પવિત્ર ઉત્સવનું સાક્ષી બને છે. ઘોડા પીરના આશીર્વાદ લેવા અને માનતા પૂરી કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સમગ્ર વાતાવરણમાં આસ્થા અને કોમી એકતાની સુવાસ ફેલાય છે. હજારોની મેદની વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય છે. અધિકારીઓ અને જવાનોની હાજરીમાં આખો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય છે.
મેંદરડા
મેંદરડા શહેરમાં મુહરમ નિમિત્તે તાજીયાનું ભવ્ય જુલૂસ પરંપરાગત રીતે શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમજ નગરજનો જુલૂસમાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલું જુલૂસ મુખ્ય માર્ગો પર ફરી આઝાદ ચોક ખાતે આવેલ તાજીયા પડમાં પહોંચીને સંપન્ન થયું હતું. જુલૂસ દરમિયાન અકીદતમંદોએ ધાર્મિક પરંપરા મુજબ માતમ કરી હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર માર્ગ પર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો.
