મોટા કૌભાંડો સાથે અધિકારીઓની સંડોવણી
હોવાની આશંકા
માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુને વિસાવદરની પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ઠેંગો બતાવવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે અરજદાર મુકેશભાઈ પી. રીબડીયાએ જૂનાગઢ વર્તુળ કચેરીના પ્રથમ અપીલ અધિકારીને લેખિતમાં અપીલ કરી છે.
અરજદાર મુકેશ રીબડીયા દ્વારા વિસાવદર તાલુકાની પી.જી.વી.સી.એલ. કચેરીમાં આર.ટી.આઈ. હેઠળ ચોક્કસ માહિતી માંગી હતી. જોકે, નિયત સમયમર્યાદામાં તેમને સાચી અને સચોટ માહિતી પૂરી પાડવામાં નિષ્ફળતા મળી છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે, જે જવાબ આપવામાં આવ્યો છે તે અસંતોષકારક છે અને માહિતી છુપાવવા માટે જાણીજોઈને ખોટા કારણો દર્શાવવામાં આવ્યા છે. અરજદારને આશંકા છે કે કચેરીમાં ચાલતા કથિત મોટા કૌભાંડો બહાર ન આવે અને પોતાની નોકરી પર કોઈ આંચ ન આવે તેવા ભયથી જવાબદાર અધિકારીઓએ પરસ્પર કાવતરું ઘડીને કાયદેસરની માહિતી છુપાવી છે, જે માહિતી અધિકારના કાયદાનો સીધો અનાદર છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અરજદારે વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે તેમની પ્રથમ અપીલ તત્કાલ સ્વીકારવામાં આવે અને જે માહિતી માંગવામાં આવી છે તે વિનામૂલ્યે અને તાત્કાલિક પૂરી પાડવામાં આવે. આ સાથે જ, અરજદારે માહિતી છુપાવવા માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તટસ્થ તપાસ સમિતિની રચના કરવાની અને તેઓની સામે કડક ખાતાકીય પગલાં ભરવાની માંગણી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે વિસાવદર પીજીબવીસીએલ કચેરીની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાયા છે અને તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
