48 પરિવારોની પાલિકામાં રજૂઆત: સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અનેકવાર રજૂઆત પણ પરિણામ શૂન્ય
રાજુલા શહેરના છતડીયા રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે, ધર્મરાજ સોસાયટીની પાછળ આવેલી શિવછાયા અને નંદનવન સોસાયટીની મુખ્ય ગટર લાઈન બાજુના એક ખેતરવાળાએ માટી અને પથ્થર નાંખીને ઈરાદાપૂર્વક બંધ કરી દેતા રહીશોએ રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
પ્રફુલભાઈ પડસાલાની આગેવાની હેઠળ 48 કુટુંબોના મહિલા-પુરુષોએ સહી કરી ગટર તાત્કાલિક ખોલાવી ગંદા પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે.
હાલ ચોમાસાની સીઝનમાં સોસાયટીમાં મોટી નદી રહી જાય એટલું ગંદુ પાણી ભરાઈ ગયું છે. રોડ પર કચરાના ઢગલા થયા છે અને આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. બંને સોસાયટીમાં 50થી વધુ નાના બાળકો અને વૃદ્ધો રહે છે, જેઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. મચ્છર-માખીના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત છે. રાત્રે મચ્છરોના ત્રાસથી બાળકો સુઈ શકતા નથી. સોસાયટીમાંથી પસાર થતા લોકો પણ કહે છે કે, તમે જાતે સ્થળ જોશો તો તમે જ કહેશો કે અહીંયા સ્વચ્છતા અભિયાન લાગુ પડતું નથી.
“અમે ડે. કલેક્ટર, પાલિકા અને ‘સ્વાગત ઓનલાઈન’ કાર્યક્રમ સુધી અનેક વખત રજૂઆત કરી. પરંતુ દરેક વખતે ‘કરી આપશું’ એવો માત્ર હકાર જ મળે છે, નક્કર કામ થતું નથી. ભાજપની નગરપાલિકામાં લોકોએ હોંશે-હોંશે મત આપ્યો છે. નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને શહેરની સ્થળ તપાસ કરવી જોઈએ કે બાળકો-વૃદ્ધો કેટલા હેરાન થાય છે. આ વિસ્તારની ગ્રાન્ટ આવતી હોય જે હોય તે, પણ લોકોએ આપેલા મત અને વૃદ્ધો-બાળકો સામે જોઈને માનવતાનું કાર્ય કરવું જોઈએ. હવે વધુ વરસાદ પડશે તો અમારે સોસાયટી ખાલી કરીને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે.” રહીશોએ સ્પષ્ટ જણાવ્યું કે, બંને સોસાયટીનો માત્ર ગટર શરૂ કરવી એ સામાન્ય પ્રશ્ન છે. અમને આશા છે કે ભાજપની નવી ચૂંટાયેલી બોડી આ દોઢ વર્ષ જૂનો પ્રશ્ન તાત્કાલિક હલ કરશે.
અરજીમાં ચીમકી આપવામાં આવી છે કે, જો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સમગ્ર નાગરિકો પરિવાર સાથે પાલિકા કચેરીએ ધરણા કરશે. રોગચાળો ફેલાશે કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે.
