ઉનાના સનખડામાં જર્જરીત ટેલીફોન એકસચેન્જ બિલ્ડીંગ બનશે મોતનું કારણ ?

ઉના તાલુકાના સનખડા ગામે આવેલું ટેલિફોન એક્સચેન્જનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો છે. મકાન માલિક જીતેન્દ્ર મથુરાદાસ મહેતાએડેપ્યુટીકલેક્ટર,મામલતદાર, ટીડીઓ અને સનખડા ગ્રામપંચાયતને પત્ર લખી તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ ઉતારી લેવા માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મકાન માલિક જીતેન્દ્ર મહેતા, જેઓ હાલ મુંબઈના કાંદિવલી ખાતે રહે છે, તેમના જણાવ્યા મુજબ સનખડા સ્થિત તેમની નળિયાવાળી જૂની મિલકત બીએસએનએલને ભાડે આપેલી છે. તાઉતે વાવાઝોડા બાદ બિલ્ડિંગનો ઉપરનો નળિયાવાળો માળ ધરાશાયી થઈ ગયો છે. મિલકતમાં પીપળના ઝાડ ઉગી નીકળ્યા છે જેના કારણે બિલ્ડિંગ કોઈપણ સમયે પડી જાય તેવી સ્થિતિમાં છે. મહેતાના કહેવા મુજબ, જો આ જર્જરિત મિલકત પડે તો આજુબાજુની મિલકતોને નુકસાન થઈ શકે છે.ખાસ કરીને બિલ્ડિંગની બાજુમાં મંદિર આવેલું છે જ્યાં રોજ લોકોની અવર-જવર રહે છે. ચોમાસામાં વરસાદના કારણે બિલ્ડિંગ પડી જવાનો ભય વધુ છે અને રાહદારી ઓના જીવને જોખમ છે. મકાન માલિકે બીએસએનએલ-ઉનાને અનેક વખત નોટિસ આપી ને મિલકત ખાલી કરવા જણાવ્યું છે. પરંતુ ટેલિફોન એક્સચેન્જ દ્વારા મિલકત ખાલી કરવામાં આવતી નથી. માલિક મોટી ઉંમરના કારણે રૂબરૂ આવી શકે તેમ ન હોવાથી લેખિત રજૂઆત કરી છે. સ્થાનિક કાયદા મુજબ મિલકત ઉતારવાની થતી હોય તો તાત્કાલિક ઉતારી લેવા તેમની સંમતિ છે. મિલકત ઉતારવાનો સંપૂર્ણ ખર્ચ આપવા તેઓ તૈયાર છે. જ્યાં સુધી બીએસએનએલ મિલકત ખાલી ન કરે ત્યાં સુધી માલિક પોતે બિલ્ડિંગ ઉતારી શકે નહીં. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે બીએસએનએલની સનખડા ખાતેની ટાવરની માન્યતા, લાઈટ કનેક્શન અને મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટર કચેરી દ્વારા આપેલ લાયસન્સ રદ કરી બિલ્ડિંગ ઉતારવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અરજદારે પત્રમાં ચેતવણી આપી છે કે જો આ જર્જરિત મિલકત પડવાથી કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ટેલિફોન એક્સચેન્જ અને તેના અધિકારી ઓ ની રહેશે, મકાન માલિકની કોઈ જવાબદારી રહેશે નહીં. અગાઉ સરકાર દ્વારા આવા જર્જરિત મકાનો પડવાથી થયેલા મૃત્યુના બનાવો બાદ દરેક ગામ-શહેરમાંજોખમી મિલકતો ઉતારવામાં આવી હતી, તેનો પણ ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે, કારણ કે ચોમાસું માથે છે અને દરેક ક્ષણ જોખમી સાબિત થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ