અમરેલી જિલ્લાના પાંચ તાલુકામાં આજે શાળાઓ બંધ
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. રાજુલા પંથકમાં અંદાજે 12 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજુલા પંથકમાં અંદાજે 12 ઇંચ વરસાદ વરસતાં ખેડૂતોની જીવાદોરી ગણાતો ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો છે. ડેમમાં સતત પાણીની આવક વધતાં આખરે ડેમ છલકાઈ ગયો હતો.
ધાતરવડી ડેમ-1 રાજુલા અને જાફરાબાદ શહેર સહિત આસપાસના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ 13 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે જીવનદાયી સાબિત થાય છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકાની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં રાત્રિ દરમિયાન વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
ધારી ગીરમાં બપોર બાદ પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના જોશીબાગ, ખડીયા અને હેમરાજિયા સહિતના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અનેક મકાનોમાં પાણી ભરાતા રહેવાસીઓની ઘરવખરી અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ પલળી જતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.
