ઉના પંથકમાં અનરાધાર 4 ઇંચ વરસાદ, માલણ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, સનખડા ગામે અનેક વિજપોલ ધરાશાયી થતા અંધારપટ્ટ, 50 પશુઓના મોત: 6 માછીમાર સહીત 250થી વધુ લોકોનું રેસ્કયું
ખાંભામાં 6, સાવરકુંડલામાં 5, લિલિયા-બગસરામાં પોણા પાંચ ઇંચ વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યું: ચેકડેમો ઓવરફલો: અમરેલી જિલ્લાના 13 રસ્તાઓ બંધ: 20 ગામને સૌથી વધુ અસર
ગીર ગઢડાના 7, ઉનાના 11, અમરેલી- ભાવનગરના 40થી વધુ ગામોને એલર્ટ કરાયા
ગીર પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ- માણાવદર બાદ હવે મેઘરાજા અમરેલી, ધારી, ખાંભા, ઉના પંથકમાં ત્રાટકલયા છે. રાજુલામાં અનરાધાર 10 ઇંચ, ધારીમાં 9.21 ઇંચ, ખાંભામાં 6.06 ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઇ છે. નદી-નાળામાં ઘોડાપુર આવતા સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. જયારતે ઉના પંથકમાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસતા જળબંબોળ થયું છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા સનખડા, ગાંગડા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં 4-4 ફુટ પાણી ભરાયા હતા. સુલતાનપુર ગામમાં ઘરમાં ફસાયેલા 4 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. સનખડા ગામે અનેક વીજપોલ ધરાશાયી થતા અંધારપટ્ટ છવાયો છે. દરિયામાં 4થી વધુ માછીમારી બોટ તણાઇ હતી. જેમા 6 માછીમારોનું રેસ્કયુ કવામાં આવ્યું છે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા ગીર પંથકને ધમરોળી રહ્યા છે. રવિવારે રાજુલા પંથકમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાતે 9 વાગ્યા સુધીમાં રાજુલામા 10, ધારીમાં 9.21, ખાંભામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે રાજકોટ, ભાવનગર, જુનાગઢ, મોરબી, બોટાદ, દ્વારકા સહીતના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો.
અમરેલી પંથકમાન ભારે વરસાદના કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે. તો અનેક ચેકડેમ ઓવરફલો થયા છે. અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે 13 રસ્તા બંધ થયા છે. જયારે કાતર, કોટડી, હિંડોરણા, ટીંબી, બાબરીયાધાર, અમુલી, નાના રીંગણીયાળા, ધારાનોનેસ, ઉંટીયા, રાજપરડા, છાપરી, ચોત્રા, કાનથરીયા, તાતણીયા, ગીદરડી, ધુંધવા, સાલવા, રબારીકા સહીતના 20 ગામને સૌથી વધારે અસર પહોંચી છે. ખાંભાથી નાગેશ્રી જતા નેશનલ હાઇ-વે પરના રાણીગપરા ગામ નજીક ડાયવર્ઝન ધોવાતા નેશનલ હાઇવે બંધ થયો છે અને 20 ગામ સંપર્ક વિહોણા થયા છે.
ગીર પંથકમાં ભારે વરસાદના પગલે ગીરગઢડાના 7, ઉનાના 11, અમરેલી અને ભાવનગરના 40 થી વધુ ગામને એલર્ટ કરાયા છે. સાવરકુંડલાના સીમરણ ગામે નેશનલ હાઇવે પર ભુવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ જુનાગઢના પિપોર ગામે કોઝવે ધોાવતા માંગરોળ સાથેનો સંપર્ક તુટયો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જાફરાબાદ તાલુકાના રાયડી ડેમ અને રાજુલા તાલુકાના ધાતરવડી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. રાયડી ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નાગે, મીઠાપુર, દુધાળા, છોતરા, બારમણ, કંથારીયા સહિતના નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલટે કરાયા છે.
જયારે ધાતરવડી ડેમમાં પાણીની સપાટી વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. ખાખબાઈ, વરડ, પચાદર, સતડીયા, ધારા, ના કોવાયા તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને એલર્ટ કરાયા છે. નાગરિકોને નદીના પટમાં કોઝવે અને નીચાણવાળા વિસ્તારમાં નહીં જવા સુચના અપાઇ છે.
સાવરકુંડલાની નાવલી નદી ગાંડીતૂર, હાઈવે તૂટ્યો, ચેકડેમનો પાળો ધરાશાયી
સાવરકુંડલા શહેર તેમજ તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદના પગલે સાવરકુંડલાની નવલી નદી ગાંડીતૂર બની બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં આવેલા ભારે પૂરને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા શહેર અને તાલુકામાં પડેલા ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદના કારણે સાવરકુંડલા-અમરેલી હાઈવેને પણ મોટું નુકસાન થયું છે. હાઈવેનો ભાગ તૂટી જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે અને વાહનોની અવરજવર મુશ્કેલ બની છે. આ ઉપરાંત સાવરકુંડલામાં હનુમાનજી આશ્રમ પાસે આવેલા ચેકડેમનો પાળો પણ ભારે પાણીના પ્રવાહ સામે ધરાશાયી થયો છે. ચેકડેમનો પાળો તૂટતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થળ ઉપર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સ્થિતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરી હતી.
નાવલી નદીમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે નદી ગાંડીતૂર બની છે. શહેર અને તાલુકામાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ડોળાસામાં વધુ પાંચ ઇંચ વરસાદથી ખેતરો તળાવ બન્યા
કોડીનાર તાલુકા ના ડોળાસા અને આજુબાજુ ના ગામો મા મેઘમહેર યથાવત રહી છે. વધુ પાંચ ઇંચ વરસાદ પડી જતા મોટા ભાગ ના ખેતરો તળાવ બન્યા છે. ડોળાસા પંથક મા તા.4 ની સાંજ ના ચાર વાગ્યા થી ધીમી ધાર નો વરસાદ ચાલુ થયો હતો. જે તા. 5-7 ની સાંજ ના પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.આ દરમ્યાન એકસો ત્રીસ મી. મી.( પાંચ ઇંચ ) વરસાદ નોંધાયો છે.મોસમ નો કુલ વરસાદ 298 મી.મી. થયો ( બાર ઇંચ ) છે.
ભાવનગરના મહુવામાં જળબંબાકાર જેવી સ્થિતિ
મહુવામાં ગત રાત્રિથી શરૂ થયેલો ભારે વરસાદ આજે દિવસ દરમિયાન પણ યથાવત રહ્યો હતો. પરિણામે શહેરના વાસી તળાવ વિસ્તાર, હોસ્પિટલ રોડ, કોલેજ રોડ, ગાંધીબાગ, સ્ટેશન રોડ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસતાં સ્થાનિક લોકો પરેશાન બન્યા હતા.
ભારે વરસાદના કારણે માલણ નદીમાં સતત પાણીની આવક વધતાં નદી ઉફાન પર પહોંચી હતી અને બંને કાંઠે વહેતી થઈ હતી. નદીના જળસ્તરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વરસાદના આંકડા મુજબ મહુવામાં આજે સવારથી સાંજ સુધીમાં 62 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે છેલ્લા 36 કલાક દરમિયાન કુલ 216 મી.મી. એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ચાલુ ચોમાસામાં મહુવાનો કુલ વરસાદ 10 ઇંચને પાર પહોંચી ગયો છે, જે સિઝનની દૃષ્ટિએ નોંધપાત્ર માનવામાં આવે છે.
જયારે ગારીયાધારમાં 14 મી.મી., જેસરમાં 14 મી.મી., શિહોરમાં 4 મી.મી., તળાજામાં 6 મી.મી. અને પાલીતાણામાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ભાવનગર શહેરમાં સાંજ સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નહોતો, જોકે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.
શેત્રુંજી ડેમ 46%, લાખણકા ડેમ 75% થી વધુ ભરાયો, કાળુભાર અને રજાવળમાં પણ જળસંગ્રહ વધ્યો
ભાવનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન જળાશયોમાં પાણીની આવક વત્તી-ઓછી માત્રામાં સતત ચાલુ રહી છે. જિલ્લાની જીવાદોરી સમાન પાલીતાણા સ્થિત શેત્રુંજી ડેમની સપાટી હાલ 52.35 મીટરે પહોંચી છે, જે તેની 55.53 મીટરની ઓવરફ્લો સપાટીની નજીક સરકી રહી છે. શેત્રુંજી ડેમમાં હાલ 160.18 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે તેના કુલ ગ્રોસ સ્ટોરેજના 46.23 ટકા જેટલો થવા જાય છે. પાલીતાણા તાલુકાના જ અન્ય જળાશયોની વાત કરીએ તો, રજાવળ ડેમ 54.95 ટકા અને ખારો ડેમ 30.56 ટકા ભરાયો છે, જ્યારે હણોલ ડેમમાં 64.64 ટકા જેટલો નોંધપાત્ર જળસંગ્રહ નોંધાયો છે. બીજી તરફ, ઘોઘા તાલુકાનો લાખણકા ડેમ જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ એટલે કે 75.60 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે અને તેની વર્તમાન સપાટી 38.40 મીટર નોંધાઈ છે.
આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે. મહુવા તાલુકાના માલણ ડેમમાં 34.78 ટકા અને બગડ ડેમમાં 34.62 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ઉમરાળાના રંઘોળા ડેમમાં પણ 75.60 ટકા પાણી હોવાના અહેવાલ છે. ગઢડાના કાળુભાર ડેમમાં 34.73 ટકા અને બરવાળાના ખાંભડા ડેમમાં 43.54 ટકા જળ જથ્થો સંગ્રહિત થયો છે. ધારી સ્થિત ખોડીયાર ડેમ પણ હાલ 58.88 ટકા જેટલો ભરાયો છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ, હાલ પૂરની સ્થિતિ નિયંત્રણમાં છે. ઉતાવળી ગુંદા ડેમમાં 245 ક્યુસેક અને માલણ ડેમમાં 212 ક્યુસેક પાણીની અંદાજીત આવક થઈ રહી છે. હાલમાં કોઈ પણ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું ન હોવાથી નદી કાંઠાના વિસ્તારો સુરક્ષિત છે.
માળીયા હાટીનાનાં ચાર ગામમાં ખેતરોનું ધોરાણ
માળિયા હાટીના લાઠોદરા. વડીયા ગાળોદર ભંડુરી સહિતના અનેક વિસ્તારમાં ત્રણ દિવસમાં એકી સાથે. ત્રીસ ત્રીસ. ઇચ જેટલો વરસાદ ખાબકતા.અનેક ખેતરોમાં મોટા પાયે જમીનમાં ધોવાણ થઈ ગયું છે ખેડૂતોના ખેતરોમાંથી વરસાદના પાણીએ માટીને જમીન માંથી માટી ઉખેડી નાખી છે. ખેડૂતો ધરતીપુત્રો મુશ્કેલી માં મુકાયા છે લાઠોદરા વિસ્તોરમાં ખેતરોની પરિસ્થિતિ ભયંકર કફોડી છે. આમ એકી સાથે. માળિયા હાટીના વિસ્તારોમાં 30 ઇચ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું છે.
બગસરામાં 5.5 ઇંચ વરસાદ ખબક્યો
બગસરા પંથકમાં ગઈકાલ રાતથી સાંજ સુધીમાં 136 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ વરસાદના પગલે બગસરાની સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળ્યું છે તેમજ શહેરમાં પ્રથમ વખત સ્થાનિક હોકળાઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જ્યારે બગસરા થી ડેરી પીપરીયા જવાના રસ્તા પર રહેતા ઝોપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘૂસી જતા ઝોપડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે અહીં રહેતા લોકો પોતાના માથા પર પોટલા લઈ લઈને બહાર નીકળતા પણ જોવા મળ્યા છે જ્યારે જગતનો તાત ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી ધજાગરા ઉડતા જોવા મળ્યા છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ જેવા કે શાક માર્કેટ, કુકાવાવ નાકા તેમજ હોસ્પિટલ રોડ જેવા વિસ્તારો ગોઠણ સુધી પાણી ભરાયા હતા.જયારે બગાસરાની જીવાદોરી સમાન મૂંજીયાસાર ડેમમાં પાણી માત્ર 6 ફૂટ જેવું રહેલું હતું પરંતુ પ્રથમ વરસાદમાં 14 એમ સી એફ ટી જેવી પાણીની આવક થતા હાલ ડેમમાં પાણી 8.50 ફૂટ ની સપાટીએ પહોંચી છે.
ગીર ગઢડા:નદી નાળા છલકાયા દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો
ગીર ગઢડા તાલુકામા સમગ્ર જંગલ વિસ્તારમાં છેલ્લા ગઈકાલથી પડેલા ધોધમાર વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારે વરસાદના કારણે જંગલ વિસ્તારમાં અનેક નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા હતા.જ્યારે દ્રોણેશ્વર ડેમ પણ ઓવરફ્લો થતાં મનોહર દ્રશ્ય સર્જાયા હતા. દ્રોણેશ્વર ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ભારે વરસાદના કારણે ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી.ગીર ગઢડા તાલુકાના નાના સમઢીયાળા ગામની અંદર પાણી ભરાઈ ગયા હતા તેમજ નીચાણના વિસ્તારોમા લોકોને ભારે વરસાદ થી સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવ્યું હતું.સાથે ગીર ગઢડામાં છેલ્લા બે દિવસમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાવલ ડેમના ચાર દરવાજા ખોલાયા
ગીરના મધ્ય જંગલ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાવલ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની જળસપાટી સતત ઊંચી જતાં સિંચાઈ વિભાગ દ્વારા સાવચેતીના ભાગ રૂપે રાવલ ડેમના ચાર દરવાજા 0.914 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.ડેમના દરવાજા ખોલાતા રાવલ ડેમ હેઠળ આવતી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવરજવર નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
ધારીના ખોડીયાર ડેમના 9 દરવાજા ખોલાયા
ધારી તાલુકા પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડીયાર સિંચાઈ યોજનામાં ભારે પાણીની આવક થતાં આજે તા.5ના રોજ સાંજે 7:30 કલાકે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 9 દરવાજા 0.31 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.ડેમમાંથી હાલમાં અંદાજે 59,490 ક્યુસેક (1,684.55 ક્યુમેક્સ) પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે શેત્રુંજી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.જળસંપત્તિ વિભાગે ધારી, બગસરા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ગારીયાધાર અને પાલીતાણા તાલુકાના નદીકાંઠાના અસરગ્રસ્ત ગામોના લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી જણાય તો સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.
ધારાબંદર ગામમાં પાણી ભરાયા
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ), તલાટી કમ મંત્રી, સરપંચ તથા ગામના આગેવાનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી અને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી ગામની શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. ઉપરાંત અસરગ્રસ્ત નાગરિકો માટે રહેવા તેમજ ભોજન સહિતની જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભેરાઇ દેવપરા ગામેથી 75 લોકોને સલામત સ્થળે ખસેડાયા
રાજુલા તાલુકાના ભેરાઈ દેવપરા ગામમાંથી 75 જેટલા લોકોને સલામત સ્થળે લઈ જઈ અને હીરાભાઈ અને કમલેશભાઈ દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી જ પ્રાંત અધિકારી સાવરકુંડલા પટેલ હરેશ પુરોહિત તથા ટીડીઓ અશ્વિન દાણીધારીયા તથા મુકેશ ગુજરીયા તખુભાઈ ધાખડા સહિત તમામ જગ્યાઓએ દોડધામ કરી રહ્યા હતા અને જ્યાંથી ફોન આવે ત્યાં હીરાભાઈ અને તેની ટીમ પણ અંતરિયાળ ગામો ધરાબંદર સહિતના ગામોમાં હીરાભાઈએ મુલાકાત લઇ અને સ્થળાંતરની અને ફુટ વ્યવસ્થાને પણ વ્યવસ્થા કરી હતી.
ઉના-ગીરગઢડાની તમામ ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર
ઉના અને ગીરગઢડા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ નદીઓમાં આવેલા પૂર જેવી સ્થિતિને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે અનેક રસ્તા અને પુલિયાઓને નુકસાન પહોંચતાં અવરજવર મુશ્કેલ બની છે. હજુ પણ ભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ ઉના-ગીરગઢડા ખાનગી શાળા એસોસિએશન દ્વારા આવતીકાલે તાલુકાની તમામ ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ખાનગી શાળા એસોસિએશનના પ્રમુખ ભવ્યભાઈ પોપટે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોના હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ આગામી શૈક્ષણિક કાર્યક્રમ અંગે નિર્ણય લેવામાં આવશે.
અમરેલી સાવરકુંડલા તરફ જવા નો માર્ગ બંધ
છેલ્લા બે દિવસ થી સતત વરસી રહેલા વરસાદના કારણે રાજુલા જાફરાબાદ તરફ થી સાવરકુંડલા અમરેલી તરફ જવાના માર્ગો નુ ધોવાણ થઇ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે વહીવટી તંત્ર હાલ માર્ગ ચાલુ કરવા પ્રયત્નો કરી રહ્યા છે રાજુલા મા આજ સાંજ સુધીમાં 250 મી મી વરસાદ નોંધાયો છે આ સાથે મોસમ નો કુલ વરસાદ 450 મીમી નોંધાયો છે જ્યારે જાફરાબાદ મા 107 મીમી વરસાદ નોંધાયો છે મોસમ નો કુલ વરસાદ 240 મીમી વરસાદ નોંધાયો છે નદી નાળા તળાવ ડેમ ચેક ડેમ ભરાઈ ઓવર ફલો થઈ ગયા છે અને ખેતરો અને રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે રાજુલા, જાફરાબાદ થી સાવરકુંડલા, અમરેલી, ખાંભા તરફ જવા આવવા માટે ના રસ્તા હાલ બંધ થઈ ગયા છે.
ધાતરવાડી-2ના 20 દરવાજા 0.9 મીટર સુધી ખોલાયા
રાજુલા તાલુકા ખાતે આવેલ ધાતરવડી-2 સિંચાઈ યોજનામાં છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયેલ છે.
વર્તમાન સ્થિતિ મુજબ ડેમની સલામતીને ધ્યાનમાં રાખીને ડેમના 20 દરવાજા 0.9 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવેલ છે. ઉપરવાસના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી પાણીની આવક સત વધી રહી છે અને ડેમમાં પાણીનું લેવલ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
આ ઉપરાંત ઉપરવાસમાં આવેલ ધાતરવડી-1 સિંચાઈ યોજના પણ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી ધાતરવડી-2 ડેમમાંથી હજુ વધારે દરવાજા ખોલવામાં આવી શકે છે.
આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચવાસમાં આવેલ ખાખબાઈ, રાજુલા, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા-2, લોઠપુર, કોવાયા, સતડીયા સહિતના તમામ ગામોના નાગરિકોને સાવચેતીના ભાગરૂપે નદી, નાળા અને વહેતા પાણીમાં જવાની મનાઈ કરવામાં આવે છે. તેમજ નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા અને સલામત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવે છે.
રાણપુરમાં ધારપીપળા રોડ, ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા
રાણપુરમાં ગતરાતે વરસેલા ધોધમાર વરસાદને પગલે ધારપીપળા રોડ પર, ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન અને શાળા નજીક, પાણીનો ભરાવો નદી જેવો થઈ ગયો હતો. આ સ્થિતિને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.તેવી જ રીતે, ગાયત્રી સોસાયટીમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રોડ પર પાણી ભરાઈ રહેતા સોસાયટીના રહીશો પરેશાન થયા હતા.ચોમાસાની શરૂઆતમાં જ પડેલા આ પહેલા વરસાદમાં પાણી ભરાવાની ઘટનાએ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.
સુલતાનપુર, સનખડા, ગોંગડા સહીતના ગામોમાં ઘરોમાં 4-4 ફુટ પાણી ઘુસ્યા
ક્યાં કેટલો વરસાદ
શહેર વરસાદ (ઈંંચ)
રાજુલા 10
ધારી 9.21
ખાંભા 6.06
સાવરકુંડલા 4.45
જાફરાબાદ 4.21
લીલીયા 4.21
બગસરા 4.17
ઉના 3.78
ગીરગઢડા 2.72
મહુવા 2.44
કોડીનાર 2.13
અમરેલી 2
હજુ સાત દિવસ ભારે
રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને ઉતર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જયારે તા.7 થી 1ર બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, દીવ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી કરાઇ છે.
