ભાવનગરમાં વધુ એક અશાંતધારાનો ભંગ ; પૂર્વ મંજૂરી વિના ઓફિસ ભાડે આપતાં માલિક અને ભાડુઆત સામે ફરીયાદ

ભાવનગર શહેરમાં અશાંતધારા ના નિયમોનો ભંગ થયો હોવાની બધું એક ફરિયાદ થઈ છે. શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ ’અર્થ કોમ્પ્લેક્ષ’માં ઓફિસના માલિકે સરકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ ભાડાખત તૈયાર કરી કબજો સોંપી દેતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે સીટી મામલતદારે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ઓફિસ માલિક તેમજ ભાડુઆત વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સીટી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે. બી. ચાંદલીયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મિલકત માલિક અને ભાડુઆત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ગુજરાત સરકારના જાહેરનામા અનુસાર, ભાવનગરના ક્રેસન્ટ સર્કલ અને ડોન ચોક સહિતના જુદા જુદા વિસ્તારોને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલા છે. આ નિયમ હેઠળ ક્રેસન્ટ સર્કલ પાસે એચ.ડી.એફ.સી. બેન્કની સામે આવેલા ’અર્થ કોમ્પલેક્ષ’ની શોપ નં. 10 (ઓફિસ) પણ અશાંતધારાના દાયરામાં આવે છે. કાયદાકીય જોગવાઈ મુજબ, અશાંતધારા હેઠળ આવતી કોઈ પણ મિલકત ખરીદ-વેચાણથી આપતાં પહેલાં કે ભાડે આપતાં પહેલાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જઉખ) અને નાયબ કલેક્ટર કચેરીમાંથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. તેમ છતાં, ઓફિસ માલિકે નિયમોનું ઉલ્લંઘન કરીને રૂ.300 ના સ્ટેમ્પ પેપર પર ભાડાખત કરી મિલકત સોંપી દીધી હતી. ઓફિસ માલિક ભરત જયંતિલાલ કોઠારી (રહે. સી/01, ઇસ્કોન મેગાસીટી હિમાલયા સ્કાય, ભાવનગર) ભાડુઆત દિલસાદ યુનુસભાઈ શાહ (રહે. સ્નેહ મિલન સોસાયટી, હાદાનગર, ભાવનગર) સામે ફરિયાદ નોંધાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકના પત્રોના આધારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, આરોપીઓએ કોઈ પણ સરકારી પૂર્વ મંજૂરી વિના જ 10 જાન્યુઆરી,2024થી આ ઓફિસ ભાડા પટ્ટે આપી દીધી હતી, જે અશાંતધારાનો સીધો ભંગ છે. આ તપાસના રિપોર્ટના આધારે સીટી મામલતદારે ઘોઘારોડ પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે મામલતદારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ