દ્વારકામાં વેપારી પાસે વધુ 7.50 લાખની પઠાણી ઉધરાણી કરતો વ્યાજખોર

પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

દ્વારકાના અંબુજા નગર વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા નીલભાઈ રામજીભાઈ થોભાણી નામના 40 વર્ષના વેપારી યુવાને વર્ષ 2024 ના સમયગાળામાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલ રામલખનભાઈ નિશાદ નામના શખ્સ પાસેથી રૂપિયા પાંચ લાખની રકમ 15 ટકાના વ્યાજ દરથી લીધી હતી.
આ પછી ફરિયાદી નીલ થોભાણીએ આરોપી સુનિલ નિશાદને કટકે કટકે રૂપિયા સાડા છ લાખ રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે પરત આપી દીધા હતા. તેમ છતાં પણ આરોપી શખ્સ દ્વારા ફરિયાદી યુવાન પાસે વ્યાજ સહિત રૂપિયા સાડા સાત લાખની રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી ફરિયાદી યુવાને વધારે વ્યાજ તથા રકમ આપવાની ના કહેતા આરોપીએ તેમને ફોનથી તેમજ રૂબરૂ બોલાવીને બળજબરીપૂર્વક રકમ કઢાવવા માટે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. આટલું જ નહીં, વ્યાજના પૈસાની માંગણી કરી, જો તે રૂપિયા નહીં આપે તો ફરિયાદી નીલભાઈને તેમજ તેમના અન્ય સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આને અનુલક્ષીને દ્વારકા પોલીસે બીએનએસની કલમ 308 (5) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ