17 વર્ષ પૂર્વે કેરોસીન છાંટી લગાડેલી આગમાં એકનું મોત થયું’તું
કેશોદ તાલુકાના મંગલપુર ગામે તા. 23 મી ઓગસ્ટ 2009 ના રોજ ગેરકાયદેસર સરકારી જમીનમાં કબજા અંગે થયેલી તકરારમાં 8 લોકોના જુથે વિવાદાસ્પદ જમીનમાં રાણાભાઈ રાઠોડ નામના દલીત ખેડૂત અને તેમની પત્ની કામ કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ રાણાભાઈ રાઠોડ પર કેરોસીન છાટી આગ લગાડી દીધી હતી. જેને બચાવવા જતા રાણાભાઇના પત્ની પણ ગંભીર રીતે દાઝી જતા, દંપતીને પ્રથમ કેશોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન રાણાભાઈ સકરાભાઈ રાઠોડનું મૃત્યુ થયું હતું. જે કેસમાં કેશોદના મંગલપુર ગામના ઉપસરપંચ પોલાભાઈ ખીમાભાઈ, તલાટી મંત્રી કિશોરભાઈ ઉર્ફે રામભાઈ બચુભાઈ મિયાત્રા, જીવાભાઈ હીરાભાઈ ખટારીયા, હાજા ઉર્ફે હાદાભાઈ દેવાયતભાઈ મિયાત્રા, છગનભાઈ ટપુભાઈ ગોહિલ, હમીર ઉર્ફે લાલાભાઈ પુનાભાઈ ખટારીયા, નાજાભાઈ મુળુભાઈ મિયાત્રા્ તથા હરેશભાઈ મુળુભાઈ જીલાડીયા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ તથા એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. દરમિયાન આ કેસ કેશોદ એડીશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી, સાક્ષીઓને તપાસી, કેસના સાધનિક પુરાવાઓ ધ્યાને લઈ આરોપી એવા પોલાભાઈ ખીમાભાઈ, કિશોરભાઈ ઉર્ફે રામભાઈ બચુભાઈ મિયાત્રા, જીવાભાઈ હીરાભાઈ ખટારીયા, હાજા ઉર્ફે હાદાભાઈ દેવાયતભાઈ મિયાત્રા, હમીર ઉર્ફે લાલાભાઈ પુનાભાઈ ખટારીયા તથા હરેશ મુળુભાઈ જીલાડીયાને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીઓ છગનભાઈ ટપુભાઈ ગોહિલ અને નાજાભાઈ મુળુભાઈ મ્યાત્રાના કેસ ચાલતો હતો તે દરમિયાન મૃત્યુ થયા હતાં. કેશોદ એડીશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
