ધોકડવાની ધરતી પર હરિયાળી ક્રાંતિ, વન કવચ થકી સર્જાશે કુદરતી પર્યટન ધામ

મહત્વાકાંક્ષી વન કવચ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, સામાજિક વનીકરણ વિભાગેે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી

ગીરગઢડાના છેવાડે આવેલ ધોકડવા ગામે એક આશાની કિરણ ફેલાવવા સુરજ ઊગ્યો હોય તેમ લાંબા સમયથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વન કવચની જીલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ મનિષભાઇ જાલોધરા રજુઆત કરતાં હતાં પરંતુ વનીકરણ વિભાગ દ્વારા લીલી ઝંડી આપવા બાબતે વિલંબ થતો હોય તેના કારણે આ વિસ્તારમાં પર્યાવરણ નું મહત્વ જળવાતું નહીં આખરે ગીર સોમનાથ જિલ્લા વનીકરણ વિભાગ દ્વારા આ મહત્વકાંક્ષી યોજના હેઠળ કામગીરી નો પ્રારંભ થતાં લોકોમાં આનંદ ની અનુભૂતિ થઈ રહી છે
સામાન્ય રીતે સરકારી વાવેતરમાં થોડા વૃક્ષો વાવીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ વન કવચ તેનાથી સાવ અલગ છે. આ જાપાનની પ્રખ્યાત ’મિયાવાકી પદ્ધતિ’ આધારિત ગાઢ વન નિર્માણ યોજના છે. અંદાજે એક હેક્ટર એટલે કે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં માત્ર 2-3 વર્ષમાં 10,000 જેટલા દેશી અને સ્થાનિક પર્યાવરણને અનુકૂળ વૃક્ષો ઉછેરવામાં આવશે. તેમાં વડ, પીપળો, લીમડો, આંબલી, કરંજ, અરડૂસો, સીસમ જેવા ઓક્સિજન અને છાયડો આપતા વૃક્ષોનો સમાવેશ થશે.આ પદ્ધતિની ખાસિયત એ છે કે વૃક્ષો એકબીજાની ખૂબ નજીક વાવવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી ઉપર તરફ વધે છે અને ટૂંક સમયમાં જ ગાઢ જંગલનું સ્વરૂપ ધારણ કરે છે. આનાથી માત્ર હરિયાળી જ નહીં, પરંતુ જમીનનું ધોવાણ અટકશે, ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે અને પક્ષીઓ માટે નવો આશ્રય ઊભો થશે.
તંત્રની દીર્ઘદ્રષ્ટિ એ છે કે આને માત્ર જંગલ ન બનાવતા, એક સંપૂર્ણ ઈકો-ટુરિઝમ પાર્ક તરીકે વિકસાવવુંયોજના મુજબ અહીં સવાર-સાંજ ચાલવા માટે લાલ માટીનો વોક-વે, વૃદ્ધો અને બાળકો માટે બેસવા માટે કુટિર, અને પ્રકૃતિ અભ્યાસ માટે માહિતી બોર્ડ મુકવામાં આવશે. ભવિષ્યમાં અહીં આવનાર પરિવારો માટે પિકનિક પોઈન્ટ તરીકે પણ વિકસાવવાની યોજના છે.
આ સ્વપ્નને સાકાર કરવામાં ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સમગ્ર ટીમ અને ખાસ કરીને જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ મનિષભાઈ જાલોધરા ની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે વારંવાર વન વિભાગ માં રજૂઆતો કરી, જમીનની ફાળવણી કરાવી અને આ પ્રોજેક્ટને મંજૂર કરાવ્યો.
આજે જ્યારે ઉંઈઇથી ખાડા ખોદવાનું કામ શરૂ થયું છે, ત્યારે ગામના યુવાનોમાં અનેરો ઉત્સાહ છે. વડીલો કહી રહ્યા છે કે, અમે તો આ વૃક્ષોનો છાંયડો કદાચ નહીં માણી શકીએ, પણ અમારા બાળકોને અમે હરિયાળો વારસો આપીને જઈશું. ખરેખર, વન કવચ ધોકડવાની શોભા જ નહીં, પણ તેના ભવિષ્યને પણ હરિયાળું બનાવશે.

રિલેટેડ ન્યૂઝ