સૌરાષ્ટ્રના ચાર વોન્ટેડ આરોપી દિલ્હી-મહારાષ્ટ્રમાંથી ઝડપાયા

દારૂ સપ્લાયર અને સાયબર ફ્રોડ આચરનારને ઝડપી પાડ્યા રેન્જની ટીમનું સફળ ઓપરેશન

રાજકોટ રેન્જના ચાર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી લેવા માટે સ્પેશિયલ સ્ક્વોડને કાર્યરત કરવામાં આવી છે. ત્યારે આ સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન, સુરેન્દ્રનગરના ચોટીલા અને વઢવાણમાં વિદેશી દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર બે નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાયબર ફ્રોડના બે જુદા જુદા ગુનામાં નાસતા-ફરતા અન્ય બે આરોપીઓને પણ મહારાષ્ટ્ર અને ગોંડલ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં 13 વર્ષ પહેલાં વિદેશી દારૂૂનો જથ્થો સપ્લાય કરવાના ગુનામાં રાજસ્થાનના બબલુકુમાર મુરારીલાલ નામના આરોપીની સંડોવણી ખુલવા પામી હતી. તે સમયથી આરોપી નાસતો-ફરતો હતો અને દિલ્હી ખાતે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સ્પેશિયલ સ્ક્વોડને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દિલ્હી ખાતે દરોડો પાડી તેની ધરપકડ કરી ચોટીલા પોલીસના હવાલે કર્યો છે. જયારે વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં પાંચ વર્ષ પહેલાં વિદેશી દારૂૂનો જથ્થો પકડાયો હતો. આ કેસમાં મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શીરપુર ગામના બબલુ સોનુ મોરેની સંડોવણી ખુલી હતી. ગુનો નોંધાયા ત્યારથી નાસતા-ફરતા આ આરોપી શીરપુરમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં સ્પેશિયલ સ્ક્વોડે શીરપુરથી તેની ધરપકડ કરી હતી. ઉપરાંત કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા સાયબર ફ્રોડના કેસમાં એક વર્ષથી નાસતા-ફરતા મહારાષ્ટ્રના ભીવંડીના અક્ષય તુકારામ હેન્દ્રેની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી અને સાયબર ફ્રોડના કેસમાં સંડોવણી ખુલ્યા બાદ નાસતા-ફરતા આરોપી રાજકોટના સાહિલ દિલીપભાઈ તન્નાની ગોંડલ પાસેથી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાયની સુચનાથી રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર એ. એસ. પટેલ, પીએસઆઈ પી. એન.મોરી, બી. સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા પી.સી. સરતેજા તેમજ યોગેન્દ્ર સિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીર સિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, રાજુભાઇ પઢેરીયા, કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, રવીરાજસિંહ વાળા, ભોજાભાઇ ત્રમટા, સંદિપસિંહ ઝાલા, વનરાજભાઇ મકવાણા, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા, કાસમભાઇ બ્લોચ, મીતેશભાઇ પટેલ, કમલેશ રબારી તથા ટેકનીકલ ટીમના બળદેવસિંહ સોલંકી, નરેન્દ્રસિહ રાઠોડ, બલદેવસીંઘ મનજીતસીંઘ, આશાબેન પટેલે કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ