મોબાઈલ, રોકડ અને ઘરેણા સહિત 1.84 લાખનો સામાન પરત મળતા બંનેએ કામગીરી બિરદાવી
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ દ્વારા મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે મુસાફરી દરમિયાન ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત પરત સોંપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં દ્વારકા પોસ્ટ અંતર્ગત ઓખા આઉટ પોસ્ટ તથા જામનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના જવાનોએ બે મુસાફરોને કુલ રૂ. 1.84 લાખથી વધુ મૂલ્યનો સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 19 સપ્ટેમ્બર 2026ના રોજ ટ્રેન નંબર 19251 વેરાવળ- ઓખા એક્સપ્રેસના ઓખા સ્ટેશન પર આગમન બાદ રેલવે સુરક્ષા બળના જવાનો દ્વારા ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એક બેગ મળી આવી હતી. જેમાં કાગળની કાર્યવાહી અને ઓળખની ચકાસણી બાદ મુસાફર સુધાકર ચોલે (રહેવાસી તેલંગાણા) ને તેમનો સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મળી આવેલા સામાનમાં એપલ કંપનીનો મોબાઈલ ફોન આશરે રૂ. 80,000, બીજો મોબાઈલ ફોન આશરે રૂ. 20,000, રૂ. 1,200 રોકડા તેમજ આશરે રૂ. 800 ની કિંમતની બેગ સામેલ હતી. આમ, કુલ રૂ. 1,02,000 ની કિંમતનો સામાન મુસાફરને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર જાકે ખાન અને કોન્સ્ટેબલ અરૂૂણની મહત્વની ભૂમિકા રહી હતી. મુસાફરે રેલવે સુરક્ષા બળની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો. એક અન્ય કિસ્સામાં તારીખ 31 ઓગસ્ટ 2026ના રોજ જામનગર સ્ટેશન પર ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસના જનરલ કોચમાં ચઢતી વખતે એક મહિલા મુસાફરનું પર્સ પડી ગયું હતું. મહિલા મુસાફર દ્વારા રેલ મદદ મારફતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરજ પર તૈનાત રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર શિવશંકર કટિયાર દ્વારા સ્ટેશન પર તપાસ કરતા પર્સ મળી આવ્યું હતું. પર્સની તપાસ કરતા તેમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન આશરે રૂ. 7,000, ચાંદીના ચાર જોડી સાંકળા આશરે રૂ. 25,000, ચાંદીની ત્રણ જોડી માછલી (વીંછીયા) આશરે રૂ. 8,000, સોનાની કાનની બુટ્ટી (ટોપ્સ) આશરે રૂ. 40,000, ચાંદીની રાખડી આશરે રૂ. 1,000, અન્ય સામાન આશરે રૂ. 500 તથા આશરે રૂ. 500 ની કિંમતનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. આમ, કુલ સામાનની અંદાજિત કિંમત રૂ. 82,000 હતી. જરૂૂરી ચકાસણી અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઉપરોક્ત સામાન મહિલા મુસાફરને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મહિલા મુસાફરે રેલવે સુરક્ષા બળ, જામનગરની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર માન્યો હતો.
