મેટોડામાંથી 861 ગ્રામ ગાંજા સાથે રીક્ષા ચાલક ઝડપાયો

સુરતથી ગાંજો લાવી શ્રમિકને વેચતો હોવાનું ખૂલ્યું

મેટોડા જીઆઇડીસીમાં મૂળ વિસાવદરના પંથકના વતની અને હાલ મેટોડામાં રહેતા શખ્સને 861 ગ્રામ ગાંજા સાથે રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ સુરતથી ગાંજો લાવી અહીં શ્રમિકોને વેચતો હતો. આ પહેલા પણ તે આ પ્રકારે એક ખેપ મારી આવ્યો હોવાની કબુલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થનું વેચાણ કરતા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી એસઓજી પી.આઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. મિશ્રાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઇ મિશ્રા અને હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડાને એવી બાતમી મળી હતી કે, મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં એક ગાંજાની હેરફેર કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમને વોચ ગોઠવી કાલાવડથી મેટોડા જીઆઇડીસી તરફ જતા રોડ પર એક શંકાસ્પદ રીક્ષા પસાર થતાં પોલીસે આ રીક્ષાને અટકાવી હતી. પોલીસે રિક્ષાચાલકની પુછતાછ કરતા તેણે પોતાનું નામ હાબીલ હનીફભાઈ બ્લોચ(ઉ.વ. 24 રહે. મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 2, પાછળ ઓમ હોસ્પિટલની પાછળ, મૂળ ખંભાગીર તા. વિસાવદર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અંગ જડતી લેતા તેની પાસેથી રૂપિયા 43 હજારની કિંમતનો 861 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો આ જથ્થો મોબાઇલ ફોન અને રીક્ષા સહિત કુલ રૂપિયા 2,63,050 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગાંજા સાથે ઝડપાયેલો શખસ રીક્ષાચાલક હોય તે સુરતથી ગાંજો લાવ્યો હતો અને અહીં બંધાણીને છુટકમાં વેચતો હતો. આ પહેલા પણ તે પ્રકારે એક વખત ખેપ મારી આવ્યો હોવાની કબુલાત આપી હતી.

રિલેટેડ ન્યૂઝ