કાજલ નથી થવાતું કુંતલ નથી થવાતું, તારા સ્વરૂપ જેવું અદલ નથી થવાતું!

પોરબંદરમાં કવિ સંમેલનનું થયું રસપ્રદ આયોજન: નવરંગ અને સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

પોરબંદરમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમી અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવરંગ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધી સ્મૃતિ ભવન પોરબંદર ખાતે કવિ સંમેલન યોજાયું હતું. પોરબંદરમાં નવ જેટલી કલાઓનો વ્યાપ વધારવા છેલ્લા ચાર વર્ષથી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ચાર વર્ષમાં કલા અને સાહિત્ય માટેના અઢળક કાર્યક્રમોની ભેટ પોરબંદરને આપવામાં આવી છે.
કવિ સંમેલન
ગુજરાત સાહિત્ય અકાદમી અને નવરંગ સંસ્થા દ્વારા ગાંધી સ્મૃતિ ભવન પોરબંદર ખાતે ભવ્ય કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં ગુજરાતના ગૌરવશાળી કવિઓ જુગલ દરજી, શબનમ ખોજા, યોગેશ ગઢવી, લાખણશી આગઠ, જય પંડ્યા અને દર્શિલ ગોરાણિયાએ પોતાની રચનાઓ રજૂ કરી મોડી રાત સુધી શ્રોતાઓને કવિતાઓમાં રસ તરબોળ કર્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી.તિરથાણી, મામલતદાર ભરતકુમાર સંચાણિયા, ડો. સુરેશભાઈ ગાંધી, સામાજિક આગેવાન અનિલભાઈ કારીયા, નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણિયા, જુદી-જુદી સંસ્થાઓના આગેવાનો અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્વેતા કોટિયા અને કવિ સંમેલનનું સંચાલન જય પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક ટીમ શુભમ સામાણી, સુનિલ મોઢા, કિશન દાવડા અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
કવિઓએ રજૂ કરેલ રચનાઓ…
કાજલ નથી થવાતું કુંતલ નથી થવાતું
તારા સ્વરૂપ જેવું અદ્દલ નથી થવાતું
સૌને લઈને સાથે, છે વિસ્તરી જવાનું
ઊગી જવાથી ખાલી જંગલ નથી થવાતું
ડગલેને પગલે સાચી ઓળખ થતી રહે છે
ભૂલી જવાથી જગને પાગલ નથી થવાતું
માગણના વેશે આવી માગે તું જાત મારી
છે વસવસો કે તારા ચંપલ નથી થવાતું
તારા નસીબનો હું એવો ઉજાસ છું કે,
પ્રકટી નથી શકાતું ઓઝલ નથી થવાતું
ઋતુ ’ને રાગની પણ ગત રાખવી પડે છે
તીણા અવાજે ટહુકી કોયલ નથી થવાતું
અવશેષમાં ય તારા છે સભ્યતા જરૂરી
ખંડેર તો થવાશે લોથલ નથી થવાતું

  • જુગલ દરજી
    -*-
    આવો તો સંવાદ રચીશું સપનામાં..
    ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
    ધીમે ધીમે એની આદત થઈ ગઈ છે,
    વર્ષોથી છું ખાલીપાના કબજામાં.
    લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
    તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
    કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને,
    પીળા પાને વાર ન કીધી ખરવામાં.
    સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
    કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.
    એની સામે કાયમ સાચુ રહેવું છે,
    દુનિયા સામે છો ને દંભી પડદામાં.
    તેથી અમને લગની લાગી ગઝલોની
    આપ રહ્યા છો હરદમ એના મત્લામાં
  • શબનમ ખોજા
    -*-
    જ્યારે જ્યારે અંજાયો છું
    પાછળથી બહુ પછતાયો છું
    સૌ કહે છે કે હું પાયો છું
    મતલબ અંદર ધરબાયો છું
    તમને મળવા માટે આજે
    હું મારાથી ખોવાયો છું
    દીકરો, સ્વામી, નોકર, માણસ
    સરખે ભાગે વહેંચાયો છું
    મોડે મોડે દાદ મળી છે
    મોડે મોડે સમજાયો છું
  • લાખણ’શી આગઠ
    -*-
    સો ઓવારણે વધાવ્યા ઘેર લક્ષ્મી પધાર્યા…
    કંકુ, ચોખા ને ગુલાલ ઉછાળ્યા ઘેર લક્ષ્મી પધાર્યા..
    પે’લે ખોળે દીકરી આપી, ભગવાન કેવો રે દયાળુ
    સૌને નડે અંધાર કર્મના, દીકરીતો પોતીકું અજવાળું.
    જ્યારે ઉંબર પર પગલી છાપી, સાથિયામાં પણ જીવ આવ્યા.
    સો ઓવારણે વધાવ્યા ઘેર લક્ષ્મી પધાર્યા…
    મા મુખો દીકરો અને હોય દીકરી બાપ મુખી.
    ઝાંઝર ઝણકે છે ઘરમાં? ઈશ્વર કૃપાથી ખૂબ છો સુખી.
    પગલાં એવા શુકનવંતા કે તારીખયે બધા દિવસોમાં
    તહેવાર છપાયા..સો ઓવારણે વધાવ્યા ઘેર લક્ષ્મી પધાર્યા…
  • જય યુ. પંડ્યા
    -*-
    હોય કેવળ ‘તું’ સમાધિ હોય છે
    આપણે તો ‘હું’ વિવાદી હોય છે !
    ના મળે ઉત્તર એ જુદી વાત છે !
    તે છતાં ભીતર સવાલી હોય છે
    સ્હેજ પણ ચિંતા નથી પ્રશ્નો વિશે
    બસ વિકલ્પોની ઉપાધિ હોય છે !
    આંખને પૂછો જરા આંસુ વિશે
    મૂળ ઊંડા ને અનાદિ હોય છે !
    પુસ્તકો વાંચી શકે છે ક્યાં ઉધઈ ?
    તોય એને મન પ્રસાદી હોય છે !
  • યોગેશ ગઢવી

રિલેટેડ ન્યૂઝ