તહેવારોમાં સાવધાન… અજાણી લિન્ક ખોલતા જ બેંક ખાતુ ખાલી થઈ જશે

નેશનલ સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા એડવાઈઝરી જાહેર

તહેવારો આવી રહ્યાં છે ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ્ટે એવી ચેતવણી જાહેર કરી છે કે, પોર્નોગ્રાફી એપ્લિકેશનના ઉપયોગથી સાયબર છેતરપિંડીના કિસ્સામાં ઉછાળો થઈ શકે છે. અશ્ર્લીલ સામગ્રી પીરસતી લિન્ક્સ અને જાહેરાતો મોબાઇલ ફોન ઉપર મોકલવામાં આવે તેના ઉપર ક્લિક કરવામાં આવતાં જ છેતરપિંડી આચરતી અન્ય ફિશિંગ વેબસાઇટ્સના દ્વાર ખુલી જાય છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ટાઇમપાસ કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે આવી લિન્ક્સ અને જાહેરાતો જોવામાં સતર્ક રહેવું જરૂરી છે. ભારતમાં બેથી ત્રણ અબજ અને ગુજરાતમાં 30 લાખથી વધુ લોકો દરરોજ ટાઇમપાસ કરવા માટે મોબાઇલ ફોન ઉપર વોટ્સ-એપ, ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામનો બહોળો ઉપયોગ કરે છે. દિવસના ત્રણથી સાત કલાક સુધી મોબાઇલ ફોન ઉપર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાં લોકો રસપ્રદ જણાતી લિન્ક્સ ક્લિક કરવા ટેવાયેલાં છે. સોશ્યલ મીડિયા ઉપર ઘરેલુ ચીજવસ્તુઓની જાહેરખબરો કે જીવનજરૂરી જણાતી બાબતોની લિન્ક્સ ઉપર ક્લિક કરવાનું પ્રમાણ વિશેષ રહે છે. વોટ્સ-એપ કે સાદા એસ.એમ.એસ.થી મોકલાતી આ લિન્ક્સ મોટાભાગે ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામ સુધી દોરી જાય છે. ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામમાં મશગુલ થઈ જતાં લોકો ઘણી વખત એવી લિન્ક્સ ક્લિક કરી દે છે કે જે અન્ય વેબસાઇટ ઉપર દોરી જાય છે. આવી વેબસાઇટ્સનો મેળો જામ્યો હોય તેમાં કોઈ વખત મોબાઇલ ધારક જાણ્યે અજાણ્યે જ એવી લિન્ક્સ ઉપર ક્લિક કરી બેસે છે કે છેતરામણીની મુસીબતો શરૂ થઈ શકે છે. નેશનલ સાયબર થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, મોબાઇલ ધારકને ખ્યાલ પણ નથી રહેતો અને અમુક લિન્ક્સ તેમને પોર્નોગ્રાફી એપ્લિકેશન્સ સુધી દોરી જાય છે.

રિલેટેડ ન્યૂઝ