સોનુ વિશ્ર્વબજારમાં ફરી 5000 ડોલરને આંબી ગયું, હાજરમાં 3300નો ઉછાળો: ચાંદી 2.50 લાખને પાર
યુધ્ધનો ડર! સેન્સેક્સ 1236 પોઇન્ટ તૂટ્યો: સોના-ચાંદી-ક્રૂડમાં તેજી
મુંબઇ શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસમાં તેજીની હેટ્રીક બાદ આજે કડાકો સર્જાયો હતો. આક્રમણકારી વેચવાલીના મારાથી મોટાભાગના શેરો ગગડતા સેન્સેક્સ 1236 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. ઇન્વેસ્ટરોના 3 લાખ કરોડ ડુબ્યા હતા. બીજી તરફ સોના-ચાંદી તથા ક્રુડમાં તેજી થઇ હતી.
શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થયા બાદ એકાએક વેચવાલીનો મારો આવતા રેડઝોનમાં સરકવા લાગ્યું હતું. વેચવાલીનું દબાણ વધવા લાગતા મોટાભાગના શેરો ગગડ્યા હતા. ઇરાન પર ગમે ત્યારે અમેરિકા ત્રાટકશે તેવા સંકેતથી ખચકાટ હતો. વિદેશી નાણાં સંસ્થાઓનો માલ ફુંકાતા વિપરીત અસર હતી. બદલાતા ઔદ્યોગિક-ભૌગોલિક ઘટનાક્રમોમાં અમેરિકામાં વ્યાજદર ઘટાડાની શક્યતા ધૂંધળી બનતા તેની પણ વિપરીત અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડ ડીલ થવા સાથે માર્કેટમાં ગભરાટ દુર થયો હતો. ઇરાન યુદ્ધનો ઉકેલ પણ વાટાઘાટોથી આવી જવાનો આશાવાદ હતો પરંતુ બેઠક નિષ્ફળ જતાં ફરી યુધ્ધનો ડર સતાવવા લાગ્યો છે. અમેરિકાએ 2003 પછીનો સૌથી મોટો સૈન્ય કાફલો ખડક્યો હોવાથી હવે યુદ્ધ નિશ્ર્ચિત બન્યાની આશંકા વ્યકત થવા લાગી હતી.
શેરબજારમાં આજે બેંક, મેટલ, ઓટો તથા એમએમસીજી ક્ષેત્રના શેરોમાં મોટા ગાબડા પડ્યા હતા. ઓઇલ ઇન્ડિયા, ઓએમજીસી, આરબીએલ બેંક, અરવિંદો ફાર્મા, ઇન્ફોસીસ, મેંગ્લોર રીફાઇનરી, જેબી કેમીકલ્સમાં સુધારો હતો. લોઢા ડેવલપર્સ, હિન્દ પેટ્રો, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, બીએસઇ, વોડાફોન, યશ બેંક, આઇડીએફસી બેંક, જીંદાલ સ્ટીલ, લોટસ આઇકેર, પતંજલી, ટાટા કેપીટલ વગેરે તૂટ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1056 પોઇન્ટના કડાકાથી 82663 હતો તે ઉંચામાં 83979 તથા નીચામાં 82588 હતો. નિફટી 301 પોઇન્ટ ગગડીને 25518 હતો તે ઉંચામાં 25885 તથા નીચામાં 25488 હતો. શેરબજારમાં બેફામ વેચવાલીથી ઇન્ડેક્સ ગગડતા ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 3.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું અને બીએસઇનું માર્કેટ કેપ 469 લાખ કરોડ પર આવી ગયું હતું.
બીજી તરફ વૈશ્ર્વિક ઘટનાક્રમો વચ્ચે સોના-ચાંદી તથા ક્રૂડ તેલમાં તેજી થઇ હતી. સોનુ વાયદામાં 1039 રૂપિયાના ઉછાળાથી 156800 હતું ઉંચામાં 157185 થયું હતું. હાજર સોનુ 3300ના ઉછાળાથી 160700 હતું. વિશ્ર્વ બજારમાં સોનાનો ભાવ 5015 ડોલર હતો. ચાંદી વાયદામાં 3630 રૂપિયા વધીને 247900 હતી ઉંચામાં 248263 થઇ હતી. હાજર ચાંદી 10800 વધીને 255800 હતી. વિશ્ર્વબજારમાં ભાવ 79.25 ડોલર હતો.
ક્રૂડ તેલમાં પણ તેજી હતી. કોમોડીટી એક્સચેંજ ખાતે વાયદામાં ક્રૂડ 117 રૂપિયા વધીને 6026 હતું.
