રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડકટ્સે ફિનલેન્ડની અગ્રણી ફુડ કંપની ફેઝર સાથે એમ.ઓ.યુ. સાઈન કર્યા

ફેઝરની પ્રખ્યાત ચોકલેટ્સ અને ક્ધફેક્શનરીઝ આર.સી.પી.એલ. ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફ.એમ.સી.જી. પેટાકંપની રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આર.સી.પી.એલ.) ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણના ભાગરૂપે બંને કંપનીઓ ફેઝરની રેસિપી અને ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણોનો ઉપયોગ કરીને ભારતમાં બ્રાન્ડેડ પ્રીમિયમ ચોકલેટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરશે.
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબની ભારતની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, તેનો ઉદ્દેશ્ય ભારત અને ફિનલેન્ડ વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાનો અને તેની સાથે જ ફેઝરની પ્રખ્યાત બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સને સ્થાનિક બજારમાં સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે.
રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, ફેઝર સાથેની ભાગીદારી એ વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ્સમાંથી એકને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવા તરફનું એક વ્યૂહાત્મક પગલું છે. આ ભાગીદારી ચોકલેટ અને ક્ધફેક્શનરી માર્કેટમાં આર.સી.પી.એલ.ની વૃદ્ધિને પણ વેગ આપશે.
આ એમ.ઓ.યુ. અંગે ટિપ્પણી કરતા ફેઝરના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિસ્ટોફ વિટ્ઝથુમે જણાવ્યું હતું કે, આ ભાગીદારી ફેઝર માટે ઝડપથી વિકસતા ભારતીય બજારમાં અમારી અનોખી પ્રોડક્ટ્સ રજૂ કરવાની એક સુવર્ણ તક છે. ભારતમાં આર.સી.પી.એલ. દ્વારા વ્યાપારીકરણ અને વિતરણની જવાબદારી સંભાળવાથી અમે ચોકલેટ માર્કેટમાં એક પ્રીમિયમ સ્થાન બનાવી શકીએ છીએ અને એક અગ્રણી તથા અત્યંત સક્ષમ સ્થાનિક ભાગીદાર સાથે દેશભરમાં મોટા પાયે વિસ્તરણનો પાયો નાખી શકીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ