મોંઘવારીનો માર: ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધીને ૪.૮૨% થયો; ડુંગળી, લસણ અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો

દેશમાં ખાદ્યચીજોના ભાવમાં થયેલા વધારાને કારણે ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી દર (રિટેલ ઈન્ફ્લેશન) વધીને ૪.૮૨ ટકા પર પહોંચી ગયો છે, જે જુલાઈમાં ૪.૪૫ ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક (CFPI) પર આધારિત ખાદ્ય ફુગાવો પણ ઓગસ્ટમાં વધીને ૫.૯૫ ટકા થયો છે.

શહેરો કરતા ગામડાઓમાં મોંઘવારી વધુ આંકડાઓ અનુસાર, શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો દર ઝડપથી વધ્યો છે:

  • શહેરી ફુગાવો: જુલાઈના ૩.૯૬% થી વધીને ઓગસ્ટમાં ૪.૩૧% થયો.
  • ગ્રામીણ ફુગાવો: જુલાઈના ૪.૮૪% થી વધીને ઓગસ્ટમાં ૫.૨૩% થયો.
  • ખાદ્ય ફુગાવો: શહેરોમાં ૫.૬૪% અને ગ્રામીણ વિસ્તારોમાં ૬.૧૩% નોંધાયો છે.

શાકભાજીના ભાવમાં વધ-ઘટ

  • ડુંગળી અને લસણ: ઓગસ્ટમાં ડુંગળીનો ફુગાવાનો દર બમણાથી વધુ વધીને ૪૮.૨૭% (જુલાઈમાં ૨૨.૫૪%) થયો હતો, જ્યારે લસણનો દર વધીને ૪૩.૬૦% પર પહોંચ્યો છે.
  • આદુ, ટામેટાં અને બટાકા: આદુનો દર ઘટીને ૭૩.૮૨% થયો છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ આ ઓગસ્ટમાં ટામેટાંના ભાવમાં ૩૧.૦૯% અને બટાકાના ભાવમાં ૧૩.૧૪%નો ઘટાડો નોંધાતા લોકોને થોડી રાહત મળી છે.

ચાંદી-સોનાના દાગીના અને સેવાઓ મોંઘી થઈ મોંઘવારી માત્ર ખાવા-પીવાની વસ્તુઓ પૂરી મર્યાદિત નથી રહી:

  • દાગીના: ચાંદીના ઘરેણાંનો ફુગાવાનો દર ૧૦૭.૧૧% અને સોના-હીરાના દાગીનાનો દર ૩૫.૫૩% રહ્યો છે.
  • સેવાઓ: રેસ્ટોરન્ટ અને લાઈફસ્ટાઈલ સેવાઓમાં ૮.૩૮%, જ્યારે પરિવહન (ટ્રાન્સપોર્ટ) ક્ષેત્રે ૪.૬૦% ફુગાવો નોંધાયો છે. આ સિવાય ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો (WPI) પણ વધીને ૯.૯૨% થયો છે.

રિઝર્વ બેંકની સ્થિતિ સરકાર દ્વારા RBIને મોંઘવારીનો દર ૨ થી ૬ ટકાની મર્યાદામાં રાખવાની જવાબદારી સોંપાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફુગાવાનો અંદાજ ૫ ટકા મુકાયો છે. મોંઘવારીના દબાણને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે તાજેતરમાં પોતાનો રેપો રેટ ૫.૨૫ ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ