મૌસમનો ઠંડો દિવસ; ગિરનારમાં 2, નલીયામાં 4.6 ડિગ્રી

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.13
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અવિરત ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં મૌસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી સુધી ઘટી જતાં લોકો કાતિલ ઠંડીમાં સપડાયા હતા. ઉત્તરાયણ પર્વ ઉપર જ કાતિલ ઠંડીનો દોર યથાવત રહેતા જનજીવન ઠપ્પ થયું હતું. દિવસભર કાતિલ ઠારના કારણે વાતાવરણ ટાઢુબોળ રહેતા લોકો ઘરમાં પૂરાયા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છના અડધો ડઝન સહિત રાજ્યના 11 શહેરોમાં તાપમાન આજે સિંગલ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જૂનાગઢમાં સૌરાષ્ટ્રનું સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. ગઢ ગીરનાર ઠંડીથી ધ્રૂજી ઉઠ્યો હતો. ગીરનારમાં આજે 2 ડિગ્રી તાપમાન થતાં પાણી પણ બરફ જેવુ બની ગયું હતું. આ ઉપરાંત કેશોદ, રાજકોટ, અમરેલીમાં પણ તાપમાનનો પારો સિંગલ ડીઝીટમાં યથાવત રહ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેનાર છે. તેમાં અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છમાં તાપમાન હજુ બેથી ચાર ડિગ્રી નીચુ જવાની આગાહી કરવામાં આવી છે. ઠંડીનો કાતિલ રાઉન્ડ 48 કલાક પછી પૂર્ણ થનાર છે. ત્યાર બાદ તાપમાન સામાન્ય: બને તેવા અણશાર મળી રહ્યા છે.
રાજકોટ શહેરમાં આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. તાપમાન ગઈકાલ કરતાં પણ નીચુ જતાં લોકો કાતિલ ઠંડીમાં સપડાયા હતા. રાત્રિ કર્ફ્યૂ અને કુદરતની સંચારબંધીના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહ્યા હતા. રાજકોટ શહેરમાં આજે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતાં દિવસભર વાતાવરણ ટાઢુબોળ રહ્યું હતું.
જામનગર
જામનગરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયા પછી હાલાર પંથકમાં શીત લહેર પ્રસરી ગઇ છે. છેલ્લા 4 દિવસથી ઠંડીનો પારો 10થી 11 ડિગ્રીની વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથો સાથ પ્રતિ કલાકના 40 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠંડીનો પારો આજે સવારે 11.6 ડિગ્રીની નજીક રહેતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉપરાંત ગઈકાલે સવારથીજ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે. અને બેઠા ઠાર ના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી , જ્યારે મહત્તમ તાપમાન 23 ડિગ્રીની નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે રહી હતી. જે વધીને 40 કિમી સુધી પણ પહોંચી હતી.
ભાવનગર
ભાવનગરમાં ઠંડીનું પ્રભુત્વ વધતા જનજીવન પ્રભાવિત થયું છે. આજે ગુરુવારે શહેરનું લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું છે.જ્યારે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા નોંધાયું છે. પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઠંડી નું મોજું ફરી વળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ