આજે મૂર્તિપૂજક જૈનોની અને આવતીકાલે સ્થાનકવાસી જૈનોનુ સંવત્સરી પર્વ ઉજવાશે

આજે મૂર્તિપૂજક જૈન સંઘોમાં ગુરૂ ભગવંત, બારસા સુત્રનું વાચન કરશે: રવિવારે તપસ્વીઓના પારણા: બપોરે સંવત્સરી પ્રતિક્રમણ

ત્યાગ, તપ અને ધર્મ આરાધના સાથે જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો અંતિમ તબકકામાં પ્રવેશ્યા છે. મૂર્તિ પૂજક જૈન સંઘોમાં આવતીકાલે સંવત્સરી પર્વ ઉજવાશે તથા સ્થાનવાસી જૈન સંઘોમાં સંવત્સરી રવિવારે ઉજવાશે.સંવત્સરી પર્વ તે વેરના બીજને દૂર કરવાનો અમૂલ્ય અવસર છે. સંવત્સરી પર્વમાં નોકરી, વેપાર આદિના કારણે સાત દિવસ ન આવનાર અચૂક આવીને સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયામાં ભાગ લે છે. વર્ષ દરમ્યાન જાણતા કે અજાણતા થયેલા પાપકર્મોની ક્ષમા યાચના સંવત્સરી પ્રતિક્રમણમાં કરવામાં આવે છે.આવતીકાલે સવારે ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં બારસાસૂત્રનું વાચન કરશે. આ બારસા સૂત્ર અર્ધમાગધી ભાષામાં છે. જે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે.
આવતીકાલે મૂર્તિ પૂજક જૈન ઉપાશ્રયોમાં લગભગ બપોરના ત્રણ વાગે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થશે. લગભગ ત્રણ કલાકની વિધિ હોય છે. તમામ જૈનો પુરા ઉલ્લાસથી આ વિધિ કરે છે. 84 લાખ જીવયોનિ પ્રત્યે મિત્રતા નિર્માણ કરવી. સાંવત્સરિક મહાપર્વના દિવસે ‘મિચ્છામિ દુક્કડમ’ માગી સાચુ ભાવ-પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વની આરાધના કરાશે.સાંવત્સરિક મહાપર્વના દિવસે ત્રણ બાબતનો સંકલ્પ કરવો જોઇએ. પ્રથમ કોઇ ક્રોધ કરે તો હું ક્ષમા આપીશ. બીજુ ક્રોધ થઇ જશે તો ક્ષમા આપીશ. ત્રીજુ કોઇ ક્ષમા માંગશે તો હું ક્ષમા આપીશ. બાર મહિના ભલે પાનખર હોય પણ પર્યુષણ તો વસંતઋતુ છે.આજે મૂર્તિપૂજક જૈન સંઘોમાં કલ્પ સૂત્રોના સાત અને આઠમુ વ્યાખ્યાન યોજાયેલ જેમાં પાર્શ્ર્વનાથ, નેમિનાથ તથા ઋષભદેવનું ચરિત્ર, 21 તીર્થકરોના આંતરા અને જંબૂસ્વામી આદિ મહાપુરુષોના ચરિત્ર પર પ્રવચન થયું ત્યારબાદ પ્રભુ વીરની પાટ પરંપરાનું વર્ણન કરવામાં આવેલ. મૂર્તિ પૂજન જૈન સંઘોમાં રવિવારે તપસ્વીઓના પારણા યોજાશે.

રિલેટેડ ન્યૂઝ