ગુરુવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ – બોટાદ ખાતે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત મોટીવેશન સ્પીકર મનીષભાઈ વઘાસિયા દ્વારા સફળતાનો શંખનાદ નામના વિશેષ પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી હોય તેવા મહત્વના સમયે આયોજિત આ કાર્યક્રમ ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના માનવ ઘડતર સાથે શૈક્ષણિક પરિણામોમાં કેવી રીતે નોંધપાત્ર વધારો કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે બોટાદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ શાળા દ્વારા પરિવારોત્સવની ભાવના વધુ ઘનિષ્ઠ બને તેવા અનોખા અને અસરકારક પગલાં શ્રી મનીષભાઈ વઘાસિયા દ્વારા લેવામાં આવ્યા, જે કાર્યક્રમની વિશેષતા બની.
આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને અસરકારક એન્કરિંગ ભાઈ શ્રી પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના વડા પ.પૂ. શ્રી માધવ સ્વરૂપદાસજી સ્વામી તેમજ સાળંગપુર ધામમાંથી પધારેલા કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીએ આશીર્વાદાત્મક વચનો પાઠવી વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવી.
કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં અભ્યાસ કરતી બે દીકરીઓએ ગુરુકુળ પ્રત્યેના પોતાના શૈક્ષણિક, સંસ્કારલક્ષી અને જીવનઘડતર સંબંધિત અનુભવો ઉપસ્થિત સૌ સમક્ષ રજૂ કર્યા, જેને ઉપસ્થિત વાલીઓ તથા મહેમાનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો.
અંતમાં સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવીરાજ સર દ્વારા આભારવિધિ કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના આચાર્ય શ્રી કે.સી. મહેતા સાહેબ દ્વારા રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
