કાયદાને રમકડુ સમજનાર શખ્સોને ડેપ્યુટી સી.એમ.ની ચેતવણી: દુષણને ડામવા પોલીસને ફ્રિ હેન્ડ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે સુરક્ષા અને સુખાકારીના સંકલ્પ સાથે પોલીસ વિભાગ દ્વારા રૂ. 273 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત પાંચમી વખત રજૂ કરવામાં આવેલા રૂ. 4.08 લાખ કરોડના વિક્રમી અને ઐતિહાસિક અંદાજપત્રને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજો સર કરનારૂ ગણાવ્યું હતું.
ગુજરાત પોલીસ અને તેમના પરિવારજનો માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે હર્ષ સંઘવીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાજ્યમાં પોલીસ પરિવાર માટે એકસાથે 20,400થી વધુ નવા સુવિધાયુક્ત રહેણાંક આવાસો બનાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ હાઉસિંગ નિગમને રૂ. 1500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, આ માતબર રકમ સરકારની પોલીસ પરિવાર પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. રાજ્ય સરકારનો ધ્યેય મંત્ર છે, પોલીસ પ્રજાની રક્ષા કરે, અને સરકાર પોલીસના પરિવારની દરકાર કરે. આ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે આપણે આ કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છીએ.
નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પોલીસને પડકાર ફેંકશે કે ’દાદો’ થવાનો પ્રયાસ કરશે, તો ગુજરાત પોલીસ તેને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપશે. ગમે તેટલી પહોંચ ધરાવતો વ્યક્તિ હોય, પણ જો તે નિર્દોષ નાગરિકને કનડશે, તો તેના પગ ધ્રુજી જાય તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ ડ્રગ્સ અને વ્યાજખોરી સામે જંગ લડી રહી છે. ડ્રગ્સ માફિયાઓ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર 90 દિવસમાં 45થી વધુ ડ્રગ્સ માફિયાઓને સજા અપાવવાની ઐતિહાસિક સફળતા ગુજરાત પોલીસે મેળવી છે.
આ પ્રસંગે પોલીસ હાઉસીંગ રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસની ઈમારત હંમેશા શાંતિ અને સુરક્ષાની ગેરંટી પર ટકેલી હોય છે. ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ માત્ર શબ્દો નથી, પરંતુ રાજ્યના જવાનોની 24 કલાક સખત મહેનતનું પરિણામ છે. આ શાંતિપૂર્ણ વાતાવરણના કારણે જ ગુજરાત આજે વિશ્ર્વના રોકાણકારો માટે રોકાણનું પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યું છે.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે, આજે ગુજરાતમાંથી ‘કફ્ર્યુ’ જેવો શબ્દ અદ્રશ્ય થઈ ગયો છે. નાર્કોટિક્સ ટેરરિઝમ અને ડ્રગ્સ માફિયાઓ સામે એટીએસ (અઝજ) અને મરીન પોલીસ સૌથી વધુ લંબાઈ ધરાવતા દરિયાકાંઠે મક્કમતાથી સુરક્ષા કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ ’ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કાર્યરત છે.
