મુંબઈ-પૂનાની ફ્લાઈટ અમદાવાદ તરફ ડાયવર્ટ કરાઈ વિઝિબિલીટીના કારણે આકાશમાં જ બે રાઉન્ડ માર્યા
ઉનાળુ ઋતુના પ્રારંભે વાતાવરણમાં થયેલા બદલાવની આજે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અસર જોવા મળી હતી ઈન્ડિગો એર લાઈન્સની સવારની મુંબઈ- રાજકોટ- મુંબઈ અને પુના- રાજકોટ- પુના બંને ફલાઈટ ગાઢ ધુમ્મસના પગલે રન વેની વિઝીબીલીટી ખોરવાતા બંને ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. બંને ફલાઈટોનું અમદાવાદ એરપોર્ટમાં સફળતાપૂર્વક લેન્ડીંગ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે વહેલી પરોઢથી ગાઢ ધુમ્મસની સવારી ઉતરી હતી દરમિયાન સવારના 7-30થી 8-30 કલાક દરમિયાન ઈન્ડિગો એર લાઈન્સની મુંબઈ- રાજકોટ -મુંબઈ અને પૂના- રાજકોટ- પૂના ફલાઈટ તેના નિર્ધારિત સમયે આવી પહોંચી હતી પરંતુ રનવેની વિઝીબીલીટી શુન્ય થતા આ બંને ફલાઈટ લેન્ડીંગ માટે આકાશમાં બે ચકકર કાપ્યા બાદ વેધર કલીન નહી થતા આખરે બંને ફલાઈટને અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરતા આ બંને ફલાઈટ અમદાવાદ એરપોર્ટમાં સફળતાપૂર્વક લેન્ડીંગ થઈ હતી. સવારના 10 કલાક બાદ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ વાતાવરણ કલીન થતા બંને ફલાઈટો રાજકોટ આવી પરત મુંબઈ-પૂના- જવા લેન્ડીંગ થઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે બંને ફલાઈટના મુસાફરો નિર્ધારિત સમયના આગમન પ્રસ્થાન માટે બેથી ત્રણ કલાકનો સમય વિતાવવો પડયો હતો.
