ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગ ની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર 311 પૈકી 1/1/1માંથી 11 હેક્ટર જમીન ફાળવણીનો હુકમ ગુજરાત રાજ્ય સરકારે કર્યો છે. આ જમીનની માપણી માટે હિલચાલ શરૂ થતાં નાલીયા માંડવી ગ્રામપંચાયતને સાથે રાખીને માપણી કરવા અંગેની માંગણી સરપંચ પ્રતિનિધિ અનેગ્રામજનો એ ઉના મામલતદાર અને પ્રાંત અધિકારીને કરી હતી. જોકે આ બાબતે ઉના મામલતદાર, મહેસૂલ વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓ મૌન સેવી તમાશો જોઈ રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
બીજી તરફ દીવ પ્રશાસનના મામલતદાર અને નાયબ કલેકટર એહમદપુર માંડવી બીચ પર આવીને પોતાની સત્તાના જોરે જોહુકમી કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નાલીયા માંડવી ગ્રામપંચાયતે કરેલા વિકાસના કામો કરેલ હોય ત્યાં માંડવા નાખી વહેલી સવારે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સતત ત્રીજા દિવસે પણ સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોએ વિરોધ નોંધાવતા ઘર્ષણ સર્જાયું હતું.
જંગલ વચ્ચેના ગીચ વિસ્તારમાં ફટાકડા ફોડી વિસ્ફોટ કરવાનો પ્લાન ગ્રામજનોએ નિષ્ફળ બનાવ્યો!
જમીન માપણી અને કબ્જો સોંપાયા પહેલાં જ દીવ પ્રશાસને કામગીરી શરૂ કરતાં વિવાદ વકર્યો
ઉનાના એહમદપુર માંડવી બીચની કિંમતી જમીન 99 વર્ષના પટ્ટે રૂ. 1ના ટોકનથી દીવને ફાળવી દેવાઈ
ગુજરાતનું વહીવટી તંત્ર મૌન, વન વિભાગ તમાશો જોઈ રહ્યું હોવાનો આક્ષેપ; ગ્રામજનો અને દીવ પ્રશાસન વચ્ચે સંઘર્ષની સ્થિતિ
પ્રશાસનની બેઠક,
શાંતિપૂર્ણ માપણીની ખાતરી
આ બાબતે પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમાર, ઉના મામલતદાર ડી.કે. ભીમાણી, ડીવાયએસપી મહાદેવ ચૌધરી અને નવાબંદર મરીન પોલીસ અધિકારી પરમારની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખીને સરકારે હુકમ કરેલ સર્વે નંબરની શાંતિપૂર્ણ માપણી કરી, આ જમીનમાં ગ્રામજનોની માલિકીની જમીનને અહિત ન થાય તે ધ્યાને રાખીને કલેક્ટરને માપણી રિપોર્ટ સાથે અહેવાલ કરવા ખાતરી આપવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ વિરોધનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.
‘કાયદેસર માપણી વગર કામ ન થાય’: ગ્રામજનો
નાલીયા માંડવી ગ્રામપંચાયતના સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ સુમરા તેમજ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અહીં પંચાયત અને ફોરેસ્ટ વિભાગની જમીન આવેલી છે. વારંવાર રજૂઆત છતાં દીવ પ્રશાસન દ્વારા જમીનની માપણી થઈ નથી અને કબજો પણ સોંપાયો નથી. તેમ છતાં દીવ પ્રશાસનના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ સાથે આવીને તાના શાહી ચલાવી ગુજરાતની હદમાં ધંધાર્થીઓને હેરાન કરી રહ્યા છે.”
ગ્રામજનોએ ઉમેર્યું કે, “આ બાબતે ઉના મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીને રજૂઆત કરવા છતાં તેઓ મૌન સેવી તમાશો રચી રહ્યા છે અને ગ્રામજનો તથા દીવ પ્રશાસન વચ્ચે સંઘર્ષ સર્જાય તેવી નીતિ અપનાવી રહ્યા છે. બંને વિભાગના અધિકારીઓ સંકલન કરીને કાયદેસર માપણી કરી દીવને જમીન ફાળવે તેની સામે અમને કોઈ વાંધો નથી.પરંતુએકતરફી રીતે દીવ પ્રશાસનના અધિકારીઓ ગેરકાયદેસર સામગ્રી સાથે આવીને વન્ય ફોરેસ્ટ વિભાગના ગીચ વિસ્તારમાં ફટાકડાના બોક્સ ભરીને વિસ્ફોટ કરવાની પ્રવૃત્તિ કરે તે ચલાવી ન લેવાય.”
ફટાકડાના બોક્સથી આગનો ખતરો, વીડિયો સામે આવ્યા ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે જો ફટાકડાને કારણે ફોરેસ્ટ વિભાગમાં આગ લાગે તો ગ્રામજનોને ટાર્ગેટ કરવાની હિલચાલનો પર્દાફાશ થયો છે. આ બાબતે દીવના કેટલાક શખ્સોના વીડિયો પણ સામે આવ્યા છે અને તેની જાણ સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોએ પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપીને કરી હતી.એહમદપુર માંડવી બીચ નજીકની આ જમીન વર્ષો જૂની રિઝર્વ ફોરેસ્ટ હેઠળ આવે છે અને અહીં સામાન્ય વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં દીવ પ્રશાસનના કેટલાક લોકો ત્યાં પાણીની બોટલો, ફટાકડાના બંડલ સાથે ઘૂસીને ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવા છતાં જશાધાર રેન્જના કોઈ અધિકારી સ્થળ પર દેખાયા ન હતા.ગ્રામજનોની માંગ છે કે સરકારના પ્રવર્તમાન કાયદા મુજબ જમીન ફાળવણી થયેલી હોય ત્યારે ગીર સોમનાથ લેન્ડ રેકર્ડ અધિકારી, સર્વેયર, વન્ય ફોરેસ્ટ વિભાગના સર્વેયર, મહેસૂલ અધિકારી, ગ્રામપંચાયત સચિવને સાથે રાખીને પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામપંચાયતના સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં માપણી કરવી જોઈએ.
