ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ડાયરેક્ટર જનરલે ઐતિહાસિક વારસાઓની મુલાકાત લીધી
વર્ષો પહેલા ત્રણેય રક્ષિત સ્મારકો જે રીતે ફૂટ બ્રિજથી જોડાયેલા હતા એ જ રીતે પૂન: જીવિત કરાશે
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ના ડાયરેક્ટર જનરલ વાય. એસ. રાવત એ ગઈકાલે જામનગરના ઐતિહાસિક ભૂજિયા કોઠાની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકામાં ચાલી રહેલ પુરાતત્વીય સંશોધન કાર્યની સમીક્ષા કરી પરત ફરતી વખતે તેમણે લીધેલી આ વ્યક્તિગત મુલાકાત દરમિયાન જામનગર મહાનગરપાલિકા ના પ્રોજેક્ટ અને પ્લાનિંગ વિભાગના અધિકારીઓ, પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે જ્યારે જામનગરમાં 2013 થી અત્યાર સુધી જે કોઇ રિસ્ટોરેશનના કામો પૂર્ણ થયા છે તે દરેક રિસ્ટોરેશન પ્રોજેક્ટની રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, અને તે સમયે વાય.એસ. રાવત ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા, અને આ દરેક પ્રોજેક્ટમાં તેમનું મહત્વનું માર્ગદર્શન અમૂલ્ય રહ્યું છે.
મુલાકાત દરમિયાન તેઓની સાથે આવેલી એ.એસ.આઈ.ની ટીમને જામનગરના ઐતિહાસિક વારસા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખંભાળિયા ગેઈટ, ભૂજિયો કોઠો અને લાખોટા કોઠો એ ત્રણેય રક્ષિત સ્મારકો મૂળભૂત રીતે શહેરની કિલ્લાની દીવાલ (ફોર્ટ વોલ) સાથે જોડાયેલા હતા. આગામી સમયમાં આ તમામ સંરચનાઓને ફૂટ ઓવર બ્રિજ (એફ.ઓ.બી.) દ્વારા પુન: એકબીજા સાથે સાંકળવામાં આવશે, અને કિલ્લાની દીવાલને પણ પૂન:જીવિત કરવામાં આવશે, જે જામનગરની ભવ્યતામાં વધારો કરશે.
મુલાકાત દરમિયાન પોતાની ગુજરાત આર્કિઓલાજી વિભાગના વડા તરીકેની સેવાઓ અને જામનગર મહાનગરપાલિકા સાથેના સમજૂતી કરાર (એમ.ઓ.યૂ.) જે તેમના જ વડપણ હેઠળ થયા હતા, તેને વગોળ્યા હતા. આ સમજૂતીના આધારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભગીરથ પ્રયત્નોની તેમણે સરાહના કરી હતી, અને આગામી વર્ષોમાં જામનગર ફરી ’પેરિસ’ બની શકે તે માટે જામનગર મહાનગરપાલિકાના પ્રયાસોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભુજિયા કોઠાની ઇમારત, તેનો ભવ્ય ઇતિહાસ અને જામનગરની જનતા સાથેના આ કોઠાના અતૂટ સંબંધો વિશે વાત કરતાં તેમણે ભૂજિયા કોઠાને નાગરિકો માટે સુલભ બનાવવા માટે કરેલા વિશેષ કાર્ય માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ભુજિયા કોઠાની વિઝિટર(મુલાકાતી) બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતાં તેમણે જણાવ્યું હતું કે: “જામનગરના ત્રણ પ્રતિકાત્મક સ્મારકોને વર્ષ 2013થી જામનગરની સમર્પિત ટીમ દ્વારા તેમના મૂળ સ્વરૂપ અને આકારમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર તરીકે મેં પણ આ પુન:સ્થાપનની પ્રક્રિયામાં થોડો ફાળો આપ્યો છે. આજે આ કોઠાના ઉપરના માળ પર ચઢતી વખતે જામનગરના નાગરિકોને તેની સ્થાપત્યકળા અને જામનગરના ગૌરવનો આનંદ માણતા જોઈને મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે.” આ મુલાકાત દ્વારા જામનગરના ઐતિહાસિક વારસાને સાચવવા માટે થઈ રહેલા પ્રયત્નોને રાષ્ટ્રીય સ્તરેથી પ્રોત્સાહન અને નવી દિશા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા જ્યારે ‘વિકાસ પણ અને વિરાસત પણ’ તેવા સૂત્ર દ્વારા ભારતમાં પ્રચૂર માત્રામાં રહેલી સ્થાપત્ય વિરાસતોને પૂન:જીવન આપવાનું અને સંરક્ષિત કરવાનું કાર્ય હાથ ધર્યું છે ત્યારે જામનગર માટે પૂન:જીવન પામેલી ઇમારતો આગામી પેઢીઓ માટે પણ એક ઇતિહાસ જીવંત સ્વરૂપમાં હયાત રહેશે અને ભાવી પેઢીને તેના સાંસ્કૃતિક વારસાની અમીટ છાપ કાયમ કરશે. સરકારના પ્રયત્નોથી આ સાકાર તો થયું છે, પરંતુ નાગરિકોની પણ અત્રે તેની જાળવવાની સ્વૈચ્છિક જવાબદારી થવી ઘટે.
