રૂા.1,47,668નો મુદ્દામાલ જપ્ત કરતી એલસીબી પોલીસ
ગિર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા ગીર સોમનાથ પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જુનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી તેજ કરવામાં આવી છે.
આ અનુસંધાને એલ.સી.બી. ટીમે મળેલ ચોક્કસ બાતમીના આધારે સુત્રાપાડા નજીક સુંદરપરા ટોલનાકા પાસે પ્રોહિબિશન અંગે રેઇડ હાથ ધરી હતી. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓમાં નવાઝશા ઇસુબશા શાહમદાર, જુનેદ આબીદભાઈ મકવા, અલીમહમદ ફારૂકભાઈ બેલીમ અને શુભમ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ (બધા રહે. ઉના)નો સમાવેશ થાય છે. ઉપરાંત મનુરાય (રહે. વેરાવળ, કોળીવાડા) નામનો વ્યક્તિ, જે પ્રોહિ મુદામાલ મગાવનાર હોવાનું સામે આવ્યું છે, હાલ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,47,668નો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 174 બોટલો (રૂ. 32,668), ત્રણ મોબાઇલ ફોન (રૂ. 15,000) તથા એક ટોયોટા ઇનોવા કાર (રૂ. 1,00,000)નો સમાવેશ થાય છે.
આ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નં. 392/26 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઈ), 81 અને 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપુત, પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ તથા એચ.એલ. જેબલિયા ની રાહબરી હેઠળ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ અને કાયદાનો ભય જાળવવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
