પતિ, પત્ની અને 3 વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત: ઈદ મનાવી કેશોદથી પરત ફરી રહ્યો હતો સાટી પરિવાર: થાર ચાલક સહિત બે ઈજાગ્રસ્ત, એકને રાજકોટ રિફર: અકસ્માતને 17 કલાક થવા છતાં FIR નહીં
માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી થાર જીપે બાઈકને પાછળથી હડફેટે લેતા પોરબંદરના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. બનાવના પગલે સમગ્ર પોરબંદર પંથક અને મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના આવાસ કોલોનીમાં રહેતા નઝીર જુમા સાટી ઉ.વ. 35, તેમના પત્ની રોજીનાબેન ઉ.વ. 32 અને પુત્ર નવાજ ઉ.વ. 3 કેશોદ ગામે રોજીનાબેનના પિતાના ઘરે ઈદની ઉજવણી કરવા ગયા હતા. મોડી રાત્રે ત્રણેય જણા બાઈક પર પોરબંદર પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના અરસામાં ગોરસર ટોલનાકા નજીક પહોંચતા જ પાછળથી આવતી એક બેફામ થાર જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવીને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
થારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સાથે ત્રણેય સભ્યો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પતિ નઝીર, પત્ની રોજીનાબેન અને માસૂમ પુત્ર નવાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.
બીજી તરફ અકસ્માત સર્જનાર થાર જીપમાં પણ બે લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર બાદ થાર પણ બેકાબૂ બનીને રોડની સાઈડમાં અથડાઈ હતી. જેમાં સવાર બે પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બીજાને સામાન્ય ઈજાઓ થઈ છે.
પીએમ અર્થે મૃતદેહ માધવપુર માં ખસેડ્યા
બનાવની જાણ થતા જ માધવપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે માધવપુર સરકારી દવાખાને ખસેડ્યા હતા. એક સાથે આખા પરિવારના મોતથી પોરબંદરના આવાસ વિસ્તાર અને મુસ્લિમ સમાજમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
અશ્રુભીની આંખે અંજલી અર્પણ
મૃતકોના જનાજામાં અશ્રુભીની આંખે સમાજના લોકો જોડાયા હતા.પોરબંદરના સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી ત્યારે વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.મૃતકોની અંતિમવિધિ પોરબંદરના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી ત્યારે વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને અશ્રુભીની આંખે અંજલી અર્પણ કરી હતી. સાટી સમાજના હારુનભાઇ સાટી સહિત આગેવાનોએ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ગત રાત્રે અઢી વાગ્યે બનેલા આ ગમખ્વાર અકસ્માતમાં બીજા દિવસે સાંજે 7:30 વાગ્યા સુધી પોલીસ દ્વારા કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી ન હતી. પોલીસની આ ઢીલી નીતિને લઈને લોકોમાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો ન્યાયની માંગ કરી રહ્યા છે.
