પોલીસે ખેપીયાની ધરપકડ કરી : દારૂના સપ્લાયર અને મંગાવનારના નામ ખુલ્યા
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી, રૂ. 10 લાખની કારમાં રાજસ્થાનથી જૂનાગઢ લાવવામાં આવતો રૂ. 6 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી, એક રાજસ્થાની શખ્સને દબોચી લઈ, રૂ. 16 લાખનો મુદામાલ કબજે લઈ, કુલ 5 ઈસમો સામે ગુન્હો નોંધાવી સરાહનીય કામગીરી કરી હતી.
ઉપરી અધિકારીઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા અપાયેલી કડક સૂચનાઓ અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલની ટીમ સતત વોચ અને તપાસમાં હોય, જે દરમિયાન પીઆઈ કૃણાલ પટેલ, પીએસઆઈ ડી.પી. ભાટી, સામત બારીયા, વિક્રમ પરમારને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાનથી એક સફેદ કલરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરાઈને શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સુરજ સિનેપ્લેક્સની પાછળના ભાગે લિસ્ટેડ બુટલેગરોને ડિલિવરી આપવા માટે આવી રહ્યો છે.
આ ચોક્કસ હકીકતના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમી વાળા સ્થળે વોચમાં હતી, તે દરમિયાન બાતમી વાળી કાર જીજે 27 ઇડી 8601 ત્યાં આવતા, પોલીસે કારને કોર્ડન કરી ઉભી રખાવી. તલાશી લેતા કારમાં પૂંઠાની પેટીઓમાં છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના ચપટા નંગ-2688 જેની કિંમત રૂ. 6,04,800 ના મળી આવતા, પોલીસે દારૂનો મુદામાલ, ગુન્હામાં વપરાયેલી રૂ. 10 લાખની કિંમતની કાર, એક મોબાઈલ ફોન તથા રોકડા રૂ. 3,000 મળી કુલ રૂ. 16,17,800 નો મુદ્દામાલ કબ્જે કરી, આ સાથે પોલીસે કાર ચાલક સંજયકુમાર અર્જુનરામ બિશ્નોઈ (રહે. બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી ઝડપી પાડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુન્હામાં રાજસ્થાનના ચુનીરામ ઉર્ફે વીરદારામ, છોટા પીરારામ અને પ્રકાશ નામના શખ્સો તેમજ આ જથ્થો જૂનાગઢમાં મંગાવનાર સ્થાનિક બુટલેગર જયેશ કનુભાઈ મુળીયાસીયા (રહે. વંથલી) અને સમીર રમેશભાઈ સાહીયા (રહે. મેંદરડા)ના નામો ખુલતા, ક્રાઈમ બ્રાન્ચે પોલીસે પકડાયેલા આરોપીની અટકાયત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હાજર નહીં મળી આવેલા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
