ગ્રામસભા, યોગા અને કૃષિ કાર્યક્રમ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. 1 અને 2 જુલાઈ ના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે તા. 1 જુલાઈ, 2026ના રોજ બપોરે 3:30 કલાકે રાજ્યપાલશ્રી ભાવનગર શહેર ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિ:શુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજ્યપાલ ભાવનગર તાલુકાના સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. તા. 2 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે 5:45 કલાકે રાજ્યપાલ સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ત્યારબાદ સવારે 7:00 કલાકે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના આણંદ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિની કામગીરીનું અવલોકન કરશે તેમજ ગાય દોહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9:30 કલાકે રાજ્યપાલ સરતાનપર ગામે ચૌહાણ પરિવારની નવી વાડી ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અને તેના પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપશે.
