તોફાની પવનની આગાહીના પગલે દીવાદાંડીમાં 3 નંબરનું સિગ્નલ લાગતા પરત ફરતા માછીમારોને નુકશાન

ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગાંધીનગર કંટ્રોલ રૂમની સૂચના મુજબ દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનની આગાહીના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જાફરાબાદ દ્વારા જાફરાબાદ, દીવ, પીપાવાવ, શિયાળબેટ, સાત બંદર, ધારાબંદર, પીપળી કાંઠા અને વિક્ટર બંદરો પર લોકલ કોસનરી સિગ્નલ નં. 03 (કઈ-ઈંઈંઈં) લગાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 1500 જેટલી નાની અને મોટી બોટો અને 25,000 જેટલા લોકોના પરિવારો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને રોજગારી પ્રાપ્ત કરે છે.
આ અંગે બોટ એસોસીએશનના પ્રમુખ કનૈયાલાલે જણાવ્યું હતું કે, આઠ દિવસ પહેલા જ બળેવના પવિત્ર દિવસે માછીમારોએ પૂજા-પાઠ કરીને બોટો દરિયામાં મોકલી હતી. પરંતુ હવે અચાનક 3 નંબરનું સિગ્નલ લાગતા બોટોને વચ્ચે દરિયેથી જ પરત આવવું પડી રહ્યું છે, જેથી લાખો રૂપિયાનું નુકસાન જાય છે.
જાફરાબાદમાં મોટાભાગના નાની બોટ વાળા માછીમારો છે. તેઓ ઊંચા વ્યાજે ઉધારી કરી અને ઉછીના પૈસા લઈને ડીઝલ, બરફ અને રાશન લઈને ગયા હોય છે. આવી સ્થિતિમાં પરત આવવું પડે તો તમામ ખર્ચ માથે પડે છે. આવી સૂચનાઓ હોવા છતાં ઘણા માછીમારો પાસે પૈસા ન હોવાથી તેઓ જીવના જોખમે મધદરિયે ફરજિયાત રોકાઈ રહેવા મજબૂર બને છે.
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા પાંચેક વર્ષથી માછીમારી નબળી જતા કોઈ નવી બોટો તૈયાર કરતું નથી. જે છે તે બોટોને જ રીપેરીંગ કરીને ચલાવે છે. બેંકો પણ પૂરતી લોન આપતી નથી. સરકાર બેંકોને સૂચના આપે છે પણ તેનો અમલ બેંકો કરતી નથી, જેથી નવી બોટો તૈયાર કરવી પણ મુશ્કેલ બની છે.
સાગરપુત્રો અને બોટ એસોસીએશનનું કહેવું છે કે અવારનવાર દરિયામાં તોફાન થાય કે હવામાન ખાતું આગાહી કરે અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપે ત્યારે ડીઝલનો મોટો ખર્ચ થાય છે. આ બાબતે બોટ એસોસીએશનના પ્રમુખશ્રી કનૈયાલાલ તેમજ વિક્ટર, તારા બંદર, દીવ, વેરાવળ, પોરબંદરના આગેવાનો હવે ટૂંક સમયમાં ડીઝલ આપવા અથવા થોડીક સહાય આપવા માટે મુખ્યમંત્રીશ્રી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીશ્રીને રૂબરૂ મળવા ગાંધીનગર જઈ રજૂઆત કરશે, તેમ સાગર ખેડૂતોએ પણ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ