વાડીમાં કામ કરતા આધેડને જડબામાં દબોચ્યો
ઉના તાલુકાના ઊંટવાળા અને લુહારીમૌલી ગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં આજે બપોરના સમયે દીપડા એ 50 વર્ષીય આધેડ પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી.વાડીમાં કામ કરી રહેલા નારણભાઈ શાર્દુલ ભાઈ વાઘેલા પર અચાનક દીપડો ત્રાટક્યો હતો. દીપડા એ નારણભાઈનો હાથ પોતાના જડબામાં દબોચી લેતાં તેઓએ બચાવ માટે બૂમાબૂમ કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હાકલા-પડકારા કરતાં દીપડો નારણભાઈને છોડીને ત્યાંથીનાસી છૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઊંટવાળા અને લુહારીમૌલી વચ્ચેના વાડી વિસ્તારમાં નારણભાઈ શાર્દુલભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 50, બપોરના સમયે પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન નજીકના વિસ્તારમાં વસવાટ કરતા દીપડાઓ પૈકીનો એક દીપડો અચાનક વાડીમાં આવી પહોંચ્યો હતો. નારણભાઈ કંઈ સમજે તે પહેલાં જ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમના હાથને જડબામાં દબોચી લીધો હતો.
અચાનક બનેલી ઘટનાથી નારણભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ એકસાથે હાકલા-પડકારા કરતાં દીપડો ગભરાઈ ગયો હતો અને નારણભાઈને છોડી નજીકના વિસ્તારમાં નાસી ગયો હતો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં નારણભાઈને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી હતી. નારણભાઈને હાથ માં ગંભીર ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, આ વાડી વિસ્તાર આસપાસ છેલ્લા લાંબા સમયથી બે દીપડાનો વસવાટ હોવાનું જાણવા મળે છે અને અવારનવારદીપડાદેખાતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. હુમલાની ઘટના ને પગલે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ખેતમજૂરો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.વન વિભાગ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ આસપાસના વિસ્તારમાં દીપડાની હિલચાલનું સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે. દીપડાની ચોક્કસ હિલચાલ જાણવા તેમજ માનવ વસાહત અને વાડી વિસ્તારમાં વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ વધારી પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
