રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જામજોધપુરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો

ખેડુતોની મોટી સંખ્યામાં હાજરી
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી.
જામજોધપુર ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌએ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યના 100 પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રના ઈ-લોકાર્પણના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં મંત્રી એ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોને બજાર મળવાથી ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે. જામજોધપુર તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરુ થવાથી જામજોધપુર તાલુકાના ખેડૂતોને તેમના શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદન આધારિત પ્રોડક્ટ્સનું સીધું વેચાણ કરવાની તક મળશે. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી કરવાની એક પદ્ધતિ નથી, પરંતુ જમીનનું આરોગ્ય, પાણીનું સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને ખેડૂતોની આર્થિક સદ્ધરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતા પ્રયાસો સાથે ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્વસહાય જૂથો અને ગ્રાહકો સૌ સાથે જોડાય તો આ અભિયાનને વધુ વેગ મળી શકે છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં મંત્રી ના હસ્તે જામનગર જિલ્લાના બે ખેડૂતો હસમુખભાઈ તાલા અને જશ્મીનભાઈ દેલવાડીયાને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને લગત પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
મંત્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, તાલુકા પંચાયતના પ્રમુખ પુજાબેન મોરી, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગૌસ્વામી, જામજોધપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શિવરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો ચિરાગભાઈ કાલરીયા અને બ્રિજરાજસિંહ જાડેજા, લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જામજોધપુર પ્રાંત અધિકારી વાય.એન.બારડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો શ જામજોધપુર નગરપાલિકાના સદસ્યો, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.એસ.ઠક્કર, જિલ્લા ખેતીવાડી અધીકારી આર.એસ.ગોહિલ, આગેવાનો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ