ખાવડા નજીક બેફામ દોડતા ટ્રેઇલરે બોલેરોને હડફેટે લેતા 7 શ્રમિકના મોત

આરી પાર્ક નજીક રસ્તો મરણચીસોથી ગુંજી ઉઠ્યો: પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડયો: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

ખાવડા વિસ્તારમાં આવેલા આરી પાર્ક જવાના મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સુમારે એક અત્યંત કરૂણ અને હૃદયને કંપાવી મૂકે તેવી ગમખ્વાર માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. આરી પાર્ક નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટથી થોડે દૂર શ્રમિકોને લઈને જઈ રહેલી એક બોલેરો ગાડીને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેઈલરે ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાળમુખા ટ્રેઇલરના ધડાકા સાથે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે જ અને સારવાર દરમિયાન મળીને એકસાથે સાત શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર સરહદી વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી ફરી વળી છે.
અકસ્માતનો આ ધડાકો એટલો ભીષણ હતો કે મોડી રાત્રિની શાંતિ વચ્ચે દૂર દૂર સુધી તેનો ભયાનક અવાજ સંભળાયો હતો. આ દુર્ઘટના બનતાની સાથે જ બોલેરોમાં સવાર કામદારોની ચિચિયારીઓ અને કરૂણ ચીસોથી આખોય વિસ્તાર ગુંજી ઉઠઠ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આ કમનસીબ બોલેરો ગાડીમાં 25થી વધુ કામદારો સવાર થઈને પોતાના મુકામ તરફ જઈ રહ્યા હતા. આ અણધારી આફતમાં સાત લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે બોલેરોમાં સવાર અન્ય ઘણા કામદારોને નાની-મોટી તથા ગંભીર પ્રકારની શારીરિક ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તથા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે લોહીલુહાણ હાલતમાં તરફડતા ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢવાની અતિ મુશ્કેલ બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ બિહામણા અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાવડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મૃતકોના મૃતદેહને પીએમ ઍર્થે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે લાવવા માટે તબીબી અને પોલીસ તંત્ર દ્વારા ભારે કવાયત હાથ ધરવામાં આવી હતી. અકસ્માતની આ ગંભીરતાને જોતાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય કામદારોને વધુ વિશિષ્ટ સારવાર મળી રહે તે માટે પણ ભુજ રીફર કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ