ડોક્ટરોને ચોક્કસ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરાવવા માટે નાણાકીય લાભ, ભેટ-સોગાદ, આતિથ્ય, પ્રવાસ અને મનોરંજન સહિતના પ્રલોભનો આપવાના આક્ષેપોને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓની કથિત અનૈતિક માર્કેટિંગ અને પ્રમોશનલ પદ્ધતિઓની વિગતવાર તપાસ માટે બે અઠવાડિયામાં સમિતિ રચવા અને તેની પ્રથમ બેઠકથી બે મહિનામાં ભલામણો રજૂ કરવા આદેશ અપાયો છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન સરકારે ફાર્મા કંપનીઓના આચરણને નિયંત્રિત કરવા માટે નિયમનકારી માળખા અંગે ભલામણો કરવા ત્રણ સભ્યોની સમિતિ રચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો હજુ સુધી સમિતિની રચના કરવામાં આવી ન હોય તો આદેશની તારીખથી બે અઠવાડિયામાં તેની રચના કરવાની રહેશે.સમિતિ અરજદારો અને અન્ય પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવેલી સામગ્રીનો અભ્યાસ કરશે અને તેમને પોતાના મંતવ્યો, સૂચનો તથા ચિંતાઓ રજૂ કરવાની તક આપશે. જરૂર જણાય તો સમિતિ ટેકનિકલ, તબીબી, ફાર્માસ્યુટિકલ અને અન્ય ક્ષેત્રોના નિષ્ણાતો, સંસ્થાઓ તથા મંડળોની મદદ પણ લઈ શકશે.
