સુવર્ણકાર સમાજના કારીગરો, નાના વેપારીઓ દ્વારા કલેકટરને આવેદન
સોની યુવા સોશિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાતના સુવર્ણકાર સમાજના કારીગરો, નાના વેપારીઓ તથા સોના-ચાંદીના વ્યવસાય સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા પરિવારોના રોજગાર અને આર્થિક હિતોના રક્ષણ માટે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સોની યુવા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ એન. વાગડીયા તથા નયનભાઈ કોઠારી (વકીલ) દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાતમાં વર્ષોથી સુવર્ણકાર વ્યવસાય અનેક પરિવારો માટે રોજગાર અને આજીવિકાનું મહત્વનું સાધન રહ્યો છે. સોનાના દાગીના બનાવતા કારીગરો, ડિઝાઇનરો, ઘડાઈ-મજૂરી કરતા શ્રમિકો, પોલિશિંગ કામદારો, નાના વેપારીઓ તેમજ અન્ય સંલગ્ન વ્યવસાય સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. હાલમાં સોનાના ભાવમાં સતત વધારો, વ્યવસાયિક ખર્ચમાં વધારો તથા બજારમાં ઊભી થતી અનિશ્ર્ચિતતાને કારણે નાના કારીગરો અને વેપારીઓ મુશ્ર્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા નાના કારીગરો માટે મકાનનું ભાડું, બાળકોની સ્કૂલ ફી તથા દૈનિક જીવનના જરૂૂરી ખર્ચાઓ પૂરા કરવા પણ પડકારરૂૂપ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. આ ઉપરાંત, સોનું ન ખરીદો જેવા જાહેર સંદેશાઓના કારણે જો સોનાના દાગીનાના વ્યવસાયમાં ઘટાડો થાય તો તેની અસર કારીગરોના રોજગાર અને તેમના પરિવારોની આજીવિકા પર પડી શકે છે, તેવી ચિંતા પણ રજૂઆતમાં વ્યક્ત કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સુવર્ણકાર સમાજના જરૂૂરિયાતમંદ કારીગરો અને નાના વેપારીઓ માટે યોગ્ય આર્થિક સહાય તથા રાહત વ્યવસ્થા, ઓછા વ્યાજે લોન, વ્યાજમાં રાહત અને સ્વરોજગાર માટે નાણાકીય સહાય જેવી યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
