પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચાની મુખ્યમંત્રીને રજૂઆત: જમીન માપણીથી લઈને પ્રોપર્ટી કાર્ડ સુધીની કામગીરી ઠપ્પ, અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો
ગુજરાત રાજ્યમાં આઈ.એલ.આર. કચેરીના સર્વેયરો તથા મહેસૂલી વિભાગના અધિકારીઓ અને કર્મચારી ઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે હડતાળનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી આ હડતાળના પગલે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ સહિતની મહત્ત્વપૂર્ણ સરકારી કામગીરી ખોરંભે પડતાં અરજદારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉનાના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ ગુજરાતનામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી લોકોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે.
ચંદુભાઈ કોટેચાએ મુખ્યમંત્રીને પાઠવેલી રજૂઆત માં જણાવ્યું છે કે, છેલ્લા આશરે 15 દિવસથી આઈ. એલ.આર. કચેરીના સર્વેયરો તથા સંબંધિત અધિકારી ઓ દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ અને રજૂઆતોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. જ્યારે મહેસૂલી વિભાગના અધિકારીઓ અને કર્મચારી ઓ પણ છેલ્લા ત્રણથી ચાર દિવસથી પોતાની માંગણી ઓના સમર્થનમાં હડતાળ પર ઉતર્યા છે. પરિણામે સરકારી કચેરીઓમાં રોજિંદા કામકાજને અસરપહોંચી છે અને સામાન્ય નાગરિકોને પોતાના જરૂરી કામો માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ સહિતની મહત્ત્વપૂર્ણ કામગીરી લાંબા સમયથી ખોરંભે ચડી હોવાથી જમીન સંબંધિત કામો માટે કચેરીઓમાં આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ના છેવાડાના લોકો તેમજ દૂરના સ્થળોએથી સરકારી કામ માટે આવતા અરજદારોનો સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. કચેરીઓમાં કામ નહીં થતાં અરજદારોને નિરાશ થઈ પરત ફરવાની ફરજ પડી રહી છે.
ચંદુભાઈ કોટેચાએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે, કર્મચારીઓની માંગણીઓ અને સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોનો ઉકેલ આવે ત્યાં સુધી નાગરિકોના રોજિંદા કામો અટકી ન રહે તે માટે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સામાન્ય લોકોના જમીન અને મહેસૂલ વિભાગને લગતા જરૂરી કામો સમયસર થાય તે માટે વહીવટી સ્તરે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
તેમણે મુખ્યમંત્રીને આ સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા, સરકારી કામગીરી પુન: શરૂ થાય તે માટે યોગ્ય નિર્ણય લેવા અને હડતાળના સમયગાળા દરમિયાન અરજદારોને રાહત મળે તેવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી કરી છે.
હડતાળના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે ત્યારે સરકાર આ મામલે વહેલી તકે હકારાત્મક નિર્ણય લે અને જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ તથા મહેસૂલી વિભાગને લગતી કામગીરી ફરી સામાન્ય બને તેવી લોકોમાં અપેક્ષા છે.
