આરટીઆઈ એક્ટ એટલે અંકુશ નહીં, પારદર્શિતા: નિખિલ ભટ્ટ

રાજ્ય માહિતી આયોગના કમિશ્ર્નરે માર્ગદર્શન આપ્યું

માહિતી આયોગ દ્વારા દર વર્ષે આર.ટી.આઈ. વીક સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-2005 અંગે જિલ્લા સેવા સદન, જૂનાગઢના સભા ખંડમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પરિસંવાદમાં રાજ્ય માહિતી આયોજના કમિશનર નિખિલ ભટ્ટ ગીર સોમનાથ જિલ્લામાંથી ઓનલાઈન જોડાયા હતા અને માહિતી અધિકાર અધિનિયમ-2005 તથા તેના નિયમોના સંદર્ભમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પરિસંવાદમાં આર.ટી.આઈ. હેઠળ અરજી કેમ કરવી? આર.ટી.આઈ.ના માધ્યમથી કઈ કઈ વિગતો મળે? માહિતી કોને આપી શકાય અને કોને ન આપી શકાય, અપીલ અને ફરિયાદમાં શું તફાવત છે? આર.ટી.આઈ.ના નિયમો અને કાયદા, દંડની જોગવાઈ વગેરે મુદ્દે રાજ્ય માહિતી આયોગના કમિશનરશ્રી નિખિલ ભટ્ટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકી ઊંડાણપૂર્વકની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આર.ટી.આઈ. એક્ટનો હેતુ સરકારી કર્મચારીઓ ઉપર અંકુશ કે લગામ લાવવાનો નથી, પરંતુ સરકારની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે. વધુમાં કહ્યું હતું કે, માહિતી જે સ્વરૂપમાં હોય તે જ સ્વરૂપમાં આપવી જોઈએ. તેમજ ભારતના નાગરિકને જ માહિતી આપવાની છે. તેમજ માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ કોની માહિતી ન આપી શકાય તેની પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી. એસ. બારડ, પ્રાંત અધિકારી સુશ્રી વૃષાલી કાંબલે, જિલ્લા તથા તાલુકા કચેરીઓના જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ સત્તાધિકારીઓ જોડાયા હતા અને માહિતી અધિકાર અધિનિયમ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ